અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 જાન્યુ.
જામનગર બ્રાસ ઉદ્યોગમાં લૉકડાઉન પછી અંગ્રેજી મૂળાક્ષર `વી' નહીં પરંતુ `ડબ્લ્યુ' આકારની સુધારણાનું ચિત્ર ઉપસ્યું છે. ડિસેમ્બર સુધી એમના ઉદ્યમીઓ પાસે કામકાજ સારૂ હતું, પરંતુ જાન્યુઆરીથી બિનલોહ ધાતુ ઉદ્યોગમાં કામકાજ ધીમુ પડયું હોવાનું અગ્રણી સૂત્રોએ જણાવ્યું હતું.
જામનગરમાં મુખ્યત્વે વાહનના પાર્ટસ અને હાર્ડવેરની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને નિકાસ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં મહારાષ્ટ્ર સિવાય અન્યત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રે હજુ બાંધકામના પૂરતા પ્રોજેક્ટો શરૂ થયા નથી. હવે લોખંડ અને સિમેન્ટ સતત મોંઘા થવાથી બાંધકામ ઉદ્યોગ પર ભીંસ વધી છે. સંભવત: તેને કારણે દેશભરમાંથી આવતા હાર્ડવેર બ્રાસ પ્રોડક્ટના ઓર્ડરો ધીમા પડયા છે, એમ બિઝનેસનાં સૂત્રો માને છે. બીજી તરફ અમેરિકા-બ્રિટન-યુરોપમાં વ્યાપક અને ચીનમાં આંશિક લૉકડાઉનને લીધે વૈશ્વિક બજારમાંથી વાહન પાર્ટસના નવા ઓર્ડર ઘટ્યા છે.
સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ચીનમાં ચંદ્રવર્ષની લાંબી (અંદાજે 20 દિવસ) રજા શરૂ થવાથી પણ ઉદ્યોગોના ઓર્ડર ઘટયા છે. તાંબાપિત્તળ અને અન્ય બિનલોહ ધાતુઓનો ભાવવધારો પણ ઉદ્યમીઓને કનડી રહ્યો છે. વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ટકવા સસ્તી પડતર બાબતે ઉદ્યોગોમાં ચિંતા વધી છે.
જામનગર એક્ઝીમ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ ધર્મભાઈ કે. જોષીએ જણાવ્યું કે `અત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં શાપિંગ ઉદ્યોગમાં ફાટફાટ તેજી અને કન્ટેનરોની સખત અછત અમને આયાતનિકાસમાં નડી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ કરેલ રજૂઆત પછી પણ હજુ સુધી સ્થિતિ યથાવત્ છે. અનેકવિધ નકારાત્મક પરિબળો એકત્ર થવાને લીધે અહીંના બ્રાસ ઉદ્યોગમાં સુધારો ખોડંગાય છે. તમામ ધાતુઓના ભાવમાં બેફામ વધારો થયો છે. અમેરિકાના નવા પ્રમુખની વેપારનીતિ જોયા પછી આગામી મહિને ચિત્ર સ્પષ્ટ થશે.'