અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 જાન્યુ.
પ્રતિકૂળ હવામનને લીધે આ વર્ષે રત્નાગિરિ આફૂસનો પાક મોડો આવવાની ધારણા છે.
સામાન્ય રીતે રત્નાગિરિ આફૂસની પ્રથમ આવક ફેબ્રુઆરી આસપાસ આવતી હોય છે. હાલમાં આંબાના વૃક્ષ પર મોર રાબેતા મુજબ આવ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે કેરીના પાકને તૈયાર થવા માટે અનુકૂળ હવામાન (ઠંડી) હજી સુધી સર્જાયું નથી. તેની અસર રૂપે કેરીની પ્રથમ આવક માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. એમ સ્થાનિક એપીએમસી બજારના પાનસરે એન્ડ કં. ના સંજય પાનસરેનું કહેવું છે.
દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના 15 દિવસ બાદ કેરીના વૃક્ષ પર મંજરી આવવાની શરૂઆત થાય છે. ઠંડી વધે તેમ ફૂલ સારા પ્રમાણમાં બંધાય છે. પરંતુ આ વર્ષે છેલ્લા એક મહિનામાં નવસારી જિલ્લામાં વરસાદ તથા માવઠુ થતાં કેરીના પાકને અસર થઈ છે. ખેડૂતો સામાન્ય રીતે આંબાને મંજરી આવે પછી તેને બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે. આ વર્ષે માવઠાને લીધે આંબાના વૃક્ષ પર છાંટેલી જંતુનાશક દવા ધોવાઈ જવાથી ખેડૂતોને દવાનો ખર્ચ અને મજૂરી માથે પડયાં. બીજું માવઠું 20-25 દિવસ પછી થયું. ત્યારે પણ ખેડૂતોને બીજી વખતની દવા છાંટવાનો ખર્ચ માથે પડયો. હવે માગસર અને પોષ મહિનામાં સારી એવી ઠંડી પડે તો આંબા પર કંઈક અંશે સારી મંજરી બેસવાની આશા ખેડૂતો ને છે. બે વખત થયેલા માવઠાને લીધે વૈશાખ મહિનામાં આવતી વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનો પાક મોડો આવવાની શક્યતા ખેડૂતો તથા કૃષિ નિષ્ણાંતો એ વ્યક્ત કરી છે.