અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ, તા. 27 જાન્યુ.
વર્ષ 2020માં ઘરઆંગણે થયેલી મરીની વપરાશમાંથી 30 ટકા માલની આયાત કરવામાં આવી હોવાથી મરીના ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી હોવાનું ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોર્ટિયમના કેરળ ચૅપ્ટરના કો-ઓર્ડિનેટર કિશોર શામજીએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2019ની સરખામણીએ શ્રીલંકાથી થયેલી આયાતમાં 30 ટકાનો વધારો થયો છે. આ નિકાસ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (સાફ્ટા) અને ઈન્ડિયા-શ્રીલંકા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (ઈસ્ફ્ટા) હેઠળ કિલોગ્રામ દીઠ રૂા. 500ના લઘુતમ આયાત ભાવે કરવામાં આવી છે. ફક્ત ડિસેમ્બર, 2020માં જ 80 ટન મરી આયાત કરાયેલાં છે, જે ઘરઆંગણાની વપરાશ કરતાં 10 ગણા છે. આને પગલે મરીના ખેડૂતોનાં હિત જોખમમાં મુકાયાં છે.
કિશોર શામજીએ ઉમેર્યું કે વડા પ્રધાનના કાર્યાલય ઉપરાંત, વાણિજ્ય પ્રધાન, કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાનનાં કાર્યાલય તેમજ સ્પાઈસીઝ બોર્ડના ચેરમેન અને સેક્રેટરીને અને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને વાણિજ્ય મંત્રાલય હેઠળનાં પ્લાન્ટેશન્સ વિભાગના સંયુક્ત સચિવ સહિત સરકારનાં સંબંધિત વિભાગોને આ બાબતે વહેલી તકે પગલાં લઈને આયાત ઉપર અંકુશ લાદવાની વિનંતી કરવાં આવી છે.
ઘરેલુ વપરાશ માટે મરીની મોટા પ્રમાણમાં આયાત થતી હોવાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પૂર્વના મરીના ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ નડી રહી છે. જો સરકાર આ મુદ્દે વેળાસર પગલાં નહીં લે તો આવનારાં વર્ષોમાં મરીના ખેડૂતો માટે ટકવું મુશ્કેલ બની જશે અને જે મસાલાની શોધમાં વાસ્કો દ ગામા ભારત સુધી આવ્યો હતો, તે દેશમાં મરીના ખેડૂતો જ રહેશે નહીં.