ગોંડલ યાર્ડમાં 55 હજાર ગૂણી મરચાંની વિક્રમી આવક

ગોંડલ યાર્ડમાં 55 હજાર ગૂણી મરચાંની વિક્રમી આવક
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 27 જાન્યુ. 
લાલચટ્ટક મરચાં માટે વિખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં રેકર્ડબ્રેક આવક 26 જાન્યુઆરીના બંધ પછી નોંધાઇ હતી. માર્કેટ યાર્ડમાં વેચવા માટે ખેડૂતોએ કતારો લગાવતા 55 હજાર ભારી મરચાં વેચાણ માટે આવી ગયા હતા. ભૂતકાળમાં એક દિવસમાં 50 હજાર ભારીની આવક થયાનો રેકોર્ડ હતો. જોકે, આજે 55 હજાર ભારી નોંધાતા નવું સિમાચિહન મેળવાયું છે. ચિક્કાર આવકને લીધી ગોંડલ માર્કેટ યાર્ડની બહાર મરચાંના વાહનોની લાઇનો લાગી ગઈ હતી. ખેડૂતો ટેમ્પો, ટ્રેકટર, છકડાં જે વાહન મળે તે લઇને વેંચવા આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. 
ગોંડલ યાર્ડમાં મરચાંનો સૌથી સારો ભાવ મળતો હોવાથી ખેડૂતોનું આકર્ષણ છે. મોડી રાતથી વાહનો લઇને ખેડૂતોએ લાઇન લગાવી દીધી હતી. એ કારણે યાર્ડ બહાર ચારેક કિલોમીટર સુધી કતાર હતી. ખેડૂતો કાતિલ ઠંડીમાં પણ મરચાંની ભારીઓ લઇને યાર્ડમાં પહોંચ્યા હતા. 
માર્કેટ યાર્ડના ચૅરમૅન ગોપાલભાઇ શીંગાળા કહે છે, ગઇકાલે આવકને પ્રવેશ આપવાનું શરૂ કરતા હોબેશ આવક થઇ છે. ચાલુ સિઝનમાં આવક શરૂ કરાય ત્યારે રોજ 10થી 15 હજાર ભારીની આવક થતી હતી. પરંતુ આજરોજ 55 હજાર ભારી એકસાથે આવી પડી છે. યાર્ડ દ્વારા યાર્ડની અંદર મરચાંની હરાજીની વ્યવસ્થા છે જ. પરંતુ વધુ પડતી આવકને લીધે બે ત્રણ સિઝનથી અલાયદો પ્લોટ પણ યાર્ડની બાજુમાં રાખવામાં આવ્યો છે ત્યાંથી મરચાંનો ધૂમ વેપાર દેશાવરોમાં થઈ રહ્યો છે. 
તેમણે કહ્યું કે, મરચાંની જંગી આવકનું કારણ ઊંચા ભાવનું છે. આ વર્ષે ખેડૂતોને ટોચના ભાવ મળી રહ્યા છે. એક મણ મરચાંનો ભાવ રૂા. 930થી 3300 સુધી મળે છે. જે પાછલા વર્ષ કરતા આશરે રૂા. 500-600 જેટલો ઊંચો છે એ કારણે ખેડૂતો ફટાફટ વેંચી રહ્યા છે. વળી, ખેતરોમાં પાથરા સ્વરૂપે પડેલા મરચાં હવે સૂકાઇને તૈયાર થવા લાગતા ખેડૂતોને વેંચવાની ઉતાવળ છે. 
આ વર્ષે મરચાંનું બમ્પર વાવેતર થયું હતું. પરંતુ પાકમાં રોગ આવી જતા ઉત્પાદન ઓછું થયું છે. છતાં સારા ભાવને લીધે ખેડૂતોને ફાયદો મળ્યો છે. એ રીતે તીખાં મરચાંની ખેતી ખેડૂતોને મીઠી લાગી રહી છે. અત્યારે હાઇબ્રિડ મરચાંની આવક છે. મહિના પછી ઘોલર અને રેશમપટ્ટો મરચાં પણ યાર્ડમાં વેચાવા માટે આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer