અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 27 જાન્યુ.
ડુંગળીના વેપાર માટે વિખ્યાત મહુવા માર્કેટ યાર્ડ ચોમાસુ ડુંગળીની આવકથી ઉભરાયું હતું. બુધવારે યાર્ડમાં બે લાખ ગુણી લાલ ડુંગળીની આવક થઇ જતા નવી આવક માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. મહુવા યાર્ડમાં આમ તો રોજ એકાદ લાખ ગુણીની હરાજી થઇ શકે છે પણ અત્યારે નાના કટ્ટામાં ડુંગળી આવી રહી હોવાથી માંડ ચાલીસેક હજાર ગુણીનો નિકાલ થઇ શકે છે. પરિણામે આવક જંગી થાય ત્યારે આવક બંધ કરવી પડે છે. ડુંગળીની ચિક્કાર આવક છતાં ભાવ પર અસર થઇ નથી. માગ સારી રહેવાને લીધે ભાવ આજે મણે રૂા. 30થી 40 વધ્યા હતા. મહુવા ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ સફેદ તથા લાલ ડુંગળી મળીને કુલ એક લાખ ગુણી જેટલી આવક થવા પામી હતી.
મહુવા યાર્ડમાં આવક શરૂ કરાતા જ ફટાફટ આવક થવા લાગતા 2 લાખ ગુણી લાલ અને 1 લાખ ગુણી સફેદ ડુંગળી આવી હતી. આમ સવારે જ આવક બંધ કરી દેવામાં આવી હતી. લાલનો ભાવ મણે રૂા. 300થી 400 પ્રતિ 20 કિલો રહ્યો હતો. જ્યારે સફેદમાં રૂા. 150થી 220ના ભાવ થયા હતા. મહુવા યાર્ડના ચૅરમૅન ઘનશ્યામભાઇ પટેલ કહે છેકે, અમારા યાર્ડમાં બે લાખ ગુણીની આવક સામાન્ય ગણાય. સિઝનમાં સવા બે લાખ ગુણી સુધીનો માલ પણ આવે છે. જોકે, અત્યારે આવક બંધ કરવી પડે છે તેનું કારણ નાના પાકિંગમાં આવતો માલ છે. ખેડૂતો નાના વક્કલમાં ડુંગળી લાવી રહ્યા છે એટલે હરાજી ફક્ત 40 હજાર વક્કલ જેટલી થઇ શકે છે પરિણામે યાર્ડમાં આવક બંધ કરવાનો વખત આવે છે. મહવા યાર્ડમાં અન્યથા આવકો સતત ચાલુ જ હોય છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે ઊંચા ભાવ રહ્યા હતા એ કારણે ખેડૂતોએ ખૂબ વાવેતર કર્યું છે. અત્યારે ચોમાસું ડુંગળીની આવક છે. જોકે, મહિના પછી પીળી પત્તીની રોપલીની આવક પણ થવાની છે. એ જોતા હવે પંદરેક દિવસ ડુંગળીના ભાવ સારા રહેશે. એ પછી ક્રમશ: ભાવ ઘટવાની સંભાવના છે.
બીજી તરફ ગોંડલ યાર્ડમાં પણ ચોમાસું ડુંગળીની ચિક્કાર આવક થઇ હતી. યાર્ડના ચૅરમૅન ગોપાલભાઇ શીંગાળાએ કહ્યું કે, યાર્ડમાં 1 લાખ કટ્ટા આવ્યા હતા. એમાંથી 80 હજાર કટ્ટા લાલ અને 20 હજાર કટ્ટા સફેદના હતા. ડુંગળી માટે હવે ધીરે ધીરે યાર્ડમાં જગ્યા કરાઇ રહી છે. જોકે, જંગી આવકને લીધે ડુંગળીના ટ્રક અને નાના મોટાં વાહનો પણ યાર્ડ બહાર કતાર જમાવીને ઊભા હતા.
સૌરાષ્ટ્રમાં હવે શિયાળુ પાકોની આવકની સિઝન જામવા લાગી છે એ કારણે માર્કેટ યાર્ડો છલકાવા લાગ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગભગ તમામ પાકોની આવક વધવાની છે એટલે યાર્ડમાં વેપાર ધમધમશે.
મહુવા-ગોંડલ યાર્ડ ડુંગળીથી ઉભરાયાં
