કાચા માલના ભાવ વધવાથી ડાયઝ- ઇન્ટરમિડિયેટ્સના ભાવ વધ્યા

કાચા માલના ભાવ વધવાથી ડાયઝ- ઇન્ટરમિડિયેટ્સના ભાવ વધ્યા
ફોસ્ફરસ-અૉઇલ અને અન્ય કેમિકલ્સ મોંઘાં થતાં કાપડના ભાવ વધે તેવી શક્યતા 
ડાયઝ અને ઇન્ટરમિડિયેટના ઉત્પાદન ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 27 જાન્યુ. 
ટેક્સ્ટાઇલ અને પેઇન્ટ્સ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ડાયઝ અને ઇન્ટરમિડિયેટ્સના ભાવમાં 30% જેટલો વધારો થતા નવા ઓર્ડર મળવા મુશ્કેલ બન્યા છે. એ કારણે પેઇન્ટસના ભાવ તો વધી જ ગયા છે હવે કાપડના ભાવ પણ વધી જાય તેવી શક્યતા દેખાય રહી છે. 
આ અંગે વધુ વિગતો આપતા મસ્કતી કાપડ બજારના અગ્રણી નરેશ શર્મા જણાવે છે કે ડાયઝ અને ઇન્ટરમિડિયેટ્સના ભાવ વધવામાં છે. છેલ્લા ઘણા સમયથી કાચા માલ તરીકે વપરાતા કેમિકલ્સનો ભાવ કિલોએ રૂા. 50માંથી વધીને રૂા.100 સુધી પહોંચી ગયો છે. જેના કારણે ડાયઝ અને ઇન્ટરમિડિયેટ્સના ભાવ અચાનક વધી ગયા છે અને નવા ઓર્ડર મેળવવા પણ મુશ્કેલ બન્યા છે. ફોસ્ફરસના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. એ કારણે તેના ભાવ પ્રતિ કિલો રૂા. 70થી વધીને રૂા.130 સુધી પહોંચ્યા છે. ડાયઝ અને ઇન્ટરમિડિયેટ્સમાં વપરાતા અૉઇલના ભાવમાં પણ પ્રતિ કિલો રૂા. 20થી વધીને રૂા.40 થઇ ગયા છે. 
નરેશભાઈ ઉમેરે છે કે, કાચા માલના ભાવમાં વધારો ચાલુ રહ્યો તો કાપડના ભાવ પણ જલદીથી વધશે અને સરવાળે વેપાર કરવામાં મુશ્કેલી ઊભી થશે. કેમિકલ અને અન્ય રો મટિરિયસના ભાવ 30%થી લઈને બમણા સુધી વધી જતા હવે કાપડના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.  
કાચા માલના ભાવવધારાએ ડાયઝ અને ઇન્ટરમિડિયેટના ઉત્પાદન ખર્ચમાં 30%નો જંગી વધારો કરી દીધો છે. હવે સ્થાનિક અને વિદેશી માર્કેટમાં સ્પર્ધાત્મકતામાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. અમદાવાદ શહેરમાં ડાયઝ અને ઇન્ટરમિડિયેટ્સના 700 યુનિટ છે અને સીધી રીતે 50 હજાર લોકોને રોજગારી મળે છે. વાર્ષિક 2000 કરોડનું ઉત્પાદન છે.  
માત્ર ડાયઝ અને ઇન્ટરમિડિયેટસ જ નહીં ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતા અન્ય તમામ કાચા માલ જેવા કે, અગત્યના કેમિકલ્સ, પ્લાસ્ટિક, ફર્નેશ અૉઇલ, આયર્નઓર, સ્ટીલ સહિતનો માલ મોંઘો થતાં ઉદ્યોગોમાં અત્યારે કામકાજ વધ્યું હોવા છતાં વધતાં ઉત્પાદન ખર્ચને લીધે પરેશાની વધી ગઇ છે. ઉત્પાદકોને આશા છે કે બજેટ વખતના અંદાજપત્રમાં ઉદ્યોગોને રાહત આપવામાં આવશે. જો એમ થાય તો વધતા ખર્ચ સામે પહોંચી વળીને મેઇક ઇન ઇન્ડિયા સાર્થક કરી શકાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer