ખનિજ લોખંડના ભાવ માર્ચ સુધીમાં નવી ઊંચાઈ સર કરશે

ખનિજ લોખંડના ભાવ માર્ચ સુધીમાં નવી ઊંચાઈ સર કરશે
સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ માટે મુશ્કેલી, નિકાસ સંયોગો ઊજળા  
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 27 જાન્યુ.
ભારતની ખનિજ લોખંડની નિકાસ 2019ના 191 લાખ ટનથી બમણી થઈ 2020માં 407 લાખ ટન થઈ હતી. આમાંની મહત્તમ નિકાસ ચીન ખાતે હતી, જે 166 લાખ ટનથી વધીને 381 લાખ ટન થઈ હતી. ઇન્ડીયન સ્ટીલ એસોસિએશનનું કહેવું છે કે સ્ટીલ ઉત્પાદનના મહત્વના કાચા માલની ચીનમાં જબ્બર માગ નીકળતાં જાગતિક ભાવ આસમાને ગયા. પરિણામે ભારતીય સ્ટીલ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં આવી ગયો છે. ખનિજ લોખંડના વૈશ્વિક ભાવ ટન દીઠ 170 ડોલરની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયા છે ત્યારે ભારતીય ખાણો માટે મોટો નફો કમાવાની આકર્ષક તક ઊભી થઈ છે.   
જાન્યુઆરી અને નવેમ્બર દરમિયાન વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન 1.3 ટકા ઘટીને 1.61 અબજ ટન થયું હતું, તેની તુલનાએ એકલા ચીનમાં તે 5.5 ટકા વધીને 9611.6 લાખ ટન થયું હતું. 2020માં ચીનની સ્ટીલ માગ 1 અબજ ટનનો આંક વટાવી ગઈ હોય તેવી સંભાવના છે. ભારતમાં પણ સ્ટીલનું ઉત્પાદન નવેમ્બરમાં વર્ષાનુંવર્ષ 3.5 ટકા વધીને 92.45 લાખ ટન થયું હતું. 2020ના 11 મહિનાનું ઉત્પાદન 12.3 ટકા ઘટીને 894 લાખ ટન થયું હતું. 
અગાઉ ખનિજ લોખંડના ભાવ 100 ડોલર થાય ત્યારે સમાચારોનાં મથાળાંમાં ચમકતા હતા. તે ભાવ 165થી 170 ડોલર થાય તે જીવનમાં એકાદ વખત બને તેવી ઘટના છે. ચીન તેના નવા ચંદ્રવર્ષની લાંબી રજા પર જાય તે પહેલા ત્યાંની સ્ટીલ મિલોએ રી-સ્ટાકિંગ માટે ખનિજ લોખંડની જબ્બર લેવાલી કાઢી હતી. ગત શુક્રવારે ચીનનો ખનિજ લોંખડ વાયદો સતત છઠ્ઠા સત્રમાં વધ્યો હતો. મંગળવારે ડેલિયાં કોમોડિટી એકક્સચેંજ પર ખનિજ લોખંડ વાયદો 2.3 ટકા ઊછળી 1067 યુઆન (165 ડોલર) બંધ થવા અગાઉ 1079 યુઆન મુકાયો હતો, 22 ડિસેમ્બર પછીનો આ નવો ઊંચો ભાવ હતો. 
સિંગાપુર વાયદો વધીને 169.03 ડોલર બોલાતો હતો. રી-સ્ટાકિંગ માટે ચીનની સ્ટીલ મિલો 170 ડોલર ઉપર હાજર ભાવ આપવા તૈયાર હતી. નવ વર્ષ પછી આ ભાવ જોવા મળ્યો હતો. વર્તમાન દાયકામાં ખનિજ લોખંડે ફેબ્રુઆરી 2011માં 187 ડોલરની સર્વોચ્ચ ઊંચાઈ જોઈ હતી, જ્યારે ડિસેમ્બર 2015માં તેણે 41 ડોલરનું તળિયું બનાવ્યું હતું.  
ખનિજ લોખંડના ભાવ નજીકના ભવિષ્યમાં આ સપાટીએ ટકી શકશે? આવો પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે. મોટાભાગના એનાલિસ્ટો માને છે કે 2021ના પ્રથમ ત્રિમાસિકમાં કોરોના વેક્સિનની શોધે અર્થતંત્રોમાં જીવંતતા આવવાને લીધે ચીનની સ્ટીલ મિલો સ્ટોક વધારવાનું બંધ કરે તેવી સંભાવના નથી એ જોતાં ભાવ મજબૂત રહેશે. બ્રાઝિલમાં ડિસેમ્બરમાં ભૂપ્રપાત અને ઓસ્ટ્રેલિયામાં નકારાત્મક હવામાનને પગલે ખાણોમાં ઉત્પાદનને અસર થઇ છે અને બંદરો ઉપર પ્રવૃત્તિ ધીમી થઇ છે તે જોતાં ખનિજ લોખંડના ભાવ હજી વધી શકે છે.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer