લંડન, તા. 27 જાન્યુ.
તાંબામાં છેલ્લા થોડા મહિનામાં જોવાયેલી લાલચોળ તેજીમાં રુકાવટ આવશે, પરંતુ ચીનની નવા વર્ષની રજાઓ (11-17 ફેબ્રુઆરી) પૂરી થયા પછી પુરવઠા કરતાં માગ વધી જવાથી બજાર ફરી વેગ પકડશે.
લંડન મેટલ એક્સ્ચેન્જ પર તાંબાનો બેન્ચમાર્ક વાયદો આઠ વર્ષની ટોચની નજીક ટન દીઠ 8000 ડૉલરની આસપાસ બોલાય છે, જે કોરોનાપ્રેરિત લોકડાઉનને પગલે માગ ઘટી જવાથી 2020ના પ્રથમ છ માસમાં જોવાયેલા તળિયા કરતાં આશરે 80 ટકાનો વધારો દર્શાવે છે.
ભંગારના પુરવઠામાં સંભવિત વધારો અને આ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ચીન, હૉંગકૉંગ, બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાને કારણે ઔદ્યોગિક ઉત્પાદનને થનારી અસરને કારણે તાંબાની તેજીમાં અવરોધ આવવાની શક્યતા જોવાય છે.
જોકે તેજીમાં અવરોધ આવવાનું સૌથી મોટું કારણ ચીનની ખરીદીમાં થયેલો ઘટાડો છે. ચીનમાં નવા ચન્દ્ર વર્ષની રજાઓમાં કારખાનાં બંધ રહેતા હોવાથી ઔદ્યોગિક કાચા માલની માગ ઘટી જાય છે.
ચીને ગયે વર્ષે તાંબુ અને તાંબાની ચીજવસ્તુઓની વિક્રમી આયાત કરી હતી, પરંતુ ડિસેમ્બરમાં તે આયાત સતત ત્રીજા મહિને ઘટીને 5.12 લાખ ટન થઈ ગઈ હતી.
`માર્ચ મહિના પહેલાં બજારને ચીન તરફથી ખાસ રીતે મળે એવું જણાતું નથી,' એમ રોસ્કિલના કન્સલ્ટન્ટ જોનાથન બાર્નેસે જણાવ્યું હતું. બાર્નેસના અંદાજ અનુસાર ગયે વર્ષે વિશ્વમાં તાંબાની માગ 233 લાખ ટન રહી હતી. તાંબાની બજારમાં ચીનનો અગાઉ 55 ટકા હતો, જેમાં હાલ વધારો થયો છે, કેમ કે બીજા દેશોમાં ગયે વર્ષે તાંબાનો વપરાશ ઘટયો હતો, જ્યારે ચીનમાં તે વધ્યો હતો, એમ બાર્નેસે કહ્યું હતું.
કોરોના સંબંધી સમસ્યાઓનો અંત આવતા આ વર્ષે તાંબાના પુરવઠામાં વધારો થવાની ધારણા છે, પરંતુ ભાવ ઊંચા હોવાથી ખાણિયાઓ વધુ વેતન માગે અને હડતાળોથી પુરવઠો ખોરવાય એવી શક્યતા પણ ઉવેખી શકાય નહીં.
તે ઉપરાંત એલએમઈનાં રજિસ્ટર્ડ ગોદામોમાં તાંબાનો સ્ટોક ઘટીને 87,725 ટન થઈ ગયો છે, જે અૉક્ટોબર કરતાં અડધો છે અને સપ્ટેમ્બર કરતાં સૌથી નીચી સપાટીએ છે. ઓછા સ્ટોકને લીધે આ વર્ષના ઉત્તરાર્ધમાં ભાવને ઊંચા જવાનું બળ મળશે.
`જો તાંબાના ભાવ પ્રત્યાઘાતી ઘટાડામાં 7600 ડૉલર સુધી આવે તો નવું લેણ કરવું જોઈએ. 2021ની મધ્યમાં તાંબું 9500 ડૉલરે પહોંચવાની અમારી ધારણા છે. દુનિયામાં શુદ્ધ તાંબાનો વપરાશ - ઔદ્યોગિક એકમો, ઘરો અને માળખાકીય સવલતોના ટેકે - આ વર્ષે 4.6 ટકા વધવાનો અમારો અંદાજ છે,' એમ યુબીએસના એનાલિસ્ટોનું કહેવું છે. તાંબાનો પુરવઠો આ વર્ષે 2.9 ટકા વધશે અને બજારમાં એકંદરે 4.69 લાખ ટનની પુરવઠાખાધ રહેશે એવો તેમનો અંદાજ છે.
તાંબાની લાલચોળ તેજીમાં ધીમી માગનો અવરોધ
