ખેડૂતના પાકની પરાળીમાંથી સીએનજી ગૅસ બનશે

ખેડૂતના પાકની પરાળીમાંથી સીએનજી ગૅસ બનશે
ખેડૂતોની આવક બમણી કરવાનો વધુ એક નવતર પ્રયાસ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 જાન્યુ. 
ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર અને ઘણી એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને ખેડૂતનો આર્થિક વિકાસ થાય. ખેડૂતના અનાજ અને શાકભાજી સહેલાઈથી વેચાય એ માટે તો ભરપૂર પ્રયત્નો થયા છે પરંતુ ખેડૂતના પાકની વધેલી પરાળીને કાપ્યા પછી સળગાવી દેવામાં આવે છે. એથી ખેડૂતોને તેનાથી કોઇ ફાયદો થતો નથી અને ઉલ્ટાનું પ્રદૂષણની નવી સમસ્યા સર્જાય છે. જો એવો કોઈ રસ્તો કાઢવામાં આવે કે ખેડૂતના પાકની પરાળીનો ઉપયોગ પણ થાય, પ્રદૂષણ ન ફેલાય અને ખેડૂતની આવકમાં નોંધપાત્ર વધારો પણ થાય.  
આ હેતુથી થયેલા પ્રયાસોમાં પાકની વધેલી પરાળીમાંથી સીએનજી ગેસ બનાવવાનું કામ હાથ ધરાયું છે. હરિયાણામાં હાથ ધરાયેલા આ નવતર પ્રયાસથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. દેશના તમામ ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે, કારણકે આ સુવિધા ધીમે ધીમે દેશના તમામ ભાગોમાં ઉપલબ્ધ કરાશે. હરિયાણાના ખેડૂતોના વધેલા પાકની પરાળીનો ઉપયોગ ગેસ બનાવવાના કાચા માલમાં કરવામાં આવશે. 
હરિયાણાના કૈથલમાં આ પ્રકારનો સીએનજી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. અહીંયા ગેસ બનાવવા માટે ખેડૂતના વધેલા પાકની પરાળીનો ઉપયોગ કરીને સીએનજી ગેસ બનાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં જિલ્લા સ્તર પર સીએનજી ગેસનું મોટું યુનિટ સ્થાપવામાં આવશે. અહીંયા ખેડૂતોના પાકની વધેલી પરાળી એકઠી કરવામાં આવશે. અને આ પરાળીમાંથી મોટા પાયા પર ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. જિલ્લા સ્તર પર મોટા મોટા યુનિટ બનાવવા માટે જગ્યાઓની શોધ ચાલુ છે.  
અગાઉ ખેડૂતના પાકની લણણી કર્યા પછી વધેલી પરાળીને સળગાવી દેવામાં આવતી હતી. જેનાથી ખેડૂતને કોઈ વધારાની આવક થતી ન હતી. હવે ગેસ નો આ યુનિટ બનતા ખેડૂતોને ઘણો ફાયદો થશે.આમ હરિયાણાના કૈથલ સહિત તમામ જિલ્લાઓમાં આ રીતના યુનિટ નાખવામાં આવશે.આમ જિલ્લા પ્રશાસને ખેડૂતો અને સંગઠનો સાથે વાતચીત કરીને આ રીતનાં યુનિટ સ્થાપવાની કવાયત હાથ ધરી છે. 
ખેડૂતને સીએનજી ગૅસ યુનિટથી કેટલો ફાયદો? 
આ યુનિટ નાખ્યા પહેલા ખેડૂતના ખેતરમાં વધેલી પરાળીને સળગાવી દેવામાં આવતી હતી. જેનાથી ખેડૂતને મહેનત વધારે અને નફો ઓછો મળતો હતો. જિલ્લા પ્રશાસનના આ યુનિટ દ્વારા ખેડૂતને પ્રતિ ક્વિન્ટલ પરાળીએ 300 થી 400 રૂપિયાની આવક થાય એવી સુવિધા કરવામાં આવશે. આમ ખેડૂતને પ્રતિ એકર પાકની પરાળીમાંથી 8 થી 10 હજાર રૂપિયાની વધારાની આવક મળશે. આમ ખેડૂતના ખેતરમાં વધેલી પાકની પરાળી બોજાનું નહિ પણ આવકનું સાધન બનશે. ખેડૂત માટે પરાળી નવું આશાનું કિરણ સાબિત થશે. 
અગાઉ ઘાસચારા માટે ઉપયોગ 
ખેડૂતના પાકની વધેલી પરાળી પહેલેથી જ ઘાસચારા માટે વપરાય છે. હરિયાણાના ખેડૂતોના પાકની પરાળી ગુજરાત અને રાજસ્થાનમાં ઘાસચારા માટે પહેલેથી જ જાય છે. ગુજરાત અને કૈથળના વેપારીઓ ખેડૂત પાસેથી પાકની પરાળી ખરીદી લે છે અને આખું વર્ષ ઘાસચારા તરીકે વેચે છે. આ ઉપરાંત કાર્ડબોર્ડની ફેક્ટરી અને બીજી અન્ય ફેક્ટરીમાં મોકલે છે .આમ ખેડૂતના પાકની પરાળીમાંથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે 10 હજાર લોકોને રોજગારી મળે છે. હવે આ પ્લાન્ટથી ખેડૂતોને પાકની પરાળીમાંથી આવકનો વધુ એક વિકલ્પ મળશે. 
એફપીઓના માધ્યમથી ખરીદી કરાશે 
રાજ્ય સરકારે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે દરેક બ્લૉકમાં યુનિટ ઊભાં કરવામાં આવશે. આ યુનિટમાં પાકની પરાળીમાંથી ક્રૂડ ઓઇલ બનાવવામાં આવશે અને આ ક્રૂડ ઓઈલને જિલ્લા સ્તરની રિફાઈનરીમાં મોકલવામાં આવશે અને તેમાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. એના માટે દરેક જિલ્લામાં લગભગ 70 જેટલા એફપીઓ બનાવવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer