કન્ટેનરનાં ભાડાંમાં 300 ટકા સુધીનો વધારો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 જાન્યુ.
દેશના શાપિંગ ઉદ્યોગમાં કાર્ટેલ ચાલતું હોવાની આશંકાએ જોર પકડયું છે. કન્ટેનર અને જહાજી નૂરભાડાંમાં 150થી 300 ટકાનો વધારો થવાથી બિનલોહ ધાતુ અને ભંગારની આયાત પર નિર્ભર ઉદ્યમીઓનો પડતર ખર્ચ ઊંચો ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ચીનથી મુંદ્રા બંદરે આયાત કરાતા શાપિંગ કન્ટેનરનું ભાડુ સરેરાશ 1000 ડૉલર હતું તે અત્યારે વધીને 2,500 ડૉલર ક્વોટ થાય છે, જ્યારે જર્મનીથી આયાત થતા બિનલોહ ધાતુ કન્ટેનરનું ભાડું અગાઉના 2,000 ડૉલરને સ્થાને 3,500 ડૉલર થવા છતાં પણ પૂરતાં કન્ટેનર અને વહાણ ઉપલબ્ધ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત જામનગર ખાતે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન બિનલોહ ધાતુ ભંગારના 400થી 500 ક્નેટનરોની આયાત થતી હતી તેમાં 30થી 40 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. તેની સીધી અસરરૂપે સ્થાનિકમાં ખનિજ લોખંડની પણ થોડી અછત થવાથી લોખંડ ભંગારનો ભાવ અભૂતપૂર્વ રીતે વધીને ટનદીઠ રૂા. 32,000 ક્વોટ થવાથી મેટલ-રાલિંગ ઉદ્યોગને પણ અસર થઈ છે.
બજાર વિશ્લેષકોના તર્ક પ્રમાણે કોવિડ-19ની અસરથી પર્યટન ઉદ્યોગને થયેલ માઠી અસરથી આધુનિક ક્રુઝરો ભંગારવાડે ગઈ છે, પરંતુ લૉકડાઉન દરમિયાન કોમોડિટીની સતત હેરફેરને લીધે માલ પરિવહનના જહાજોનો ઉપયોગ ચાલુ હતો. હવે સમગ્ર વિશ્વમાં ચીજવસ્તુઓની હેરફેર વધી હોવા છતાં કન્ટેનરોની તીવ્ર અછતને મોટા કાર્ટેલનો સંકેત માની શકાય.
કન્ટેનરોની તીવ્ર અછત પાછળ કાર્ટેલ હોવાની આશંકા
