અનાજની ખરીદ-પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનની સંભાવના

અનાજની ખરીદ-પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનની સંભાવના
બજેટ 2021માં શું હશે ? 
નવી દિલ્હી, તા. 27 જાન્યુ. 
કેન્દ્ર સરકાર અનાજની ખરીદી અને સંગ્રહ કરતી પોતાના દ્વારા જ સંચાલિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ને આડે હાથ લેવાની તૈયારી કરી રહી હોવાનું કહેવાય છે. સરકાર પાસે જાહેર વિતરણના સમગ્ર માળખાને ટેકો આપતી ઢગલાબંધ દરખાસ્તોનો ખડકલો થયો છે. આ દરખાસ્તોમાં થર્ડ પાર્ટી ઓડિટ કરાવવા, માલ ખરીદવા માટે પુરાતન વિશિષ્ટતાઓને જોડવા, સમગ્ર પદ્ધતિ ડિજિટાઈઝેશન કરવા તેમજ રાશનની દુકાનના લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મંગાવવા વગેરે સામેલ છે.  
છેલ્લાં વર્ષોમાં એફસીઆઈ મારફતે અનાજની ખરીદી અને ખાદ્ય સુરક્ષા પાછળ સરકારનો ખર્ચ જબરદસ્ત વધ્યો છે (સરકારી આંકડા પ્રમાણે 2020ના નાણાં વર્ષે રૂા. 1.73 લાખ કરોડ), છતાં સ્ટોકની ગુણવત્તા બાબતે હજુ પણ ફરિયાદો મળી રહી છે. આ સાથે જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારની નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ હેઠળની જવબાદારીઓ મુક્ત ખરીદ નીતિને કારણે દબાઈ ગઈ છે, જેને પરિણામે મસમોટી રકમના અનાજના જથ્થા ખડકાયા છે. એફસીઆઈનો ખર્ચ ઘટાડવા માટે કાર્યક્ષમ ખરીદ પ્રક્રિયા પણ અપેક્ષિત છે. એફસીઆઈ દ્વારા અનાજ ખરીદીના મોટા ખર્ચને કારણે તેનો દેવાં બોજો વધ્યો છે એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર એજન્સીને લોન માટે ફક્ત ગેરન્ટર તરીકે જે ફૂડ સબસિડી આપે છે, તેમાં પણ મોટો વધારો થયો છે. આ નાણાં મોટા ભાગે નેશનલ સ્મોલ સાવિંગ્સ ફંડ દ્વારા ચૂકવવામાં આવે છે. 2020ના નાણઆં વર્ષને અંતે એફસીઆઈનાં દેવાં રૂા. 3.3 લાખ કરોડ હતાં અને વ્યાજની ચૂકવણી રૂા. 19,167 કરોડ નોંધાઈ હતી. તે પછી અત્યાર સુધીમાં તો દેવાં વધીને 2021ના નાણાં વર્ષને અંતે ઓછામાં ઓછાં રૂા. 3.5 લાખ કરોડ થયાં હોવાની ધારણા છે. 
એફસીઆઈએ માર્કાટિંગ વર્ષ 2019-20 દરમ્યાન કુલ ડાંગરમાંથી ફક્ત એક ટકા અને ઘઉંના જથ્થામાંથી આશરે 12 ટકા જેટલી જ સીધી ખરીદી કરી છે. તે પોતાના વતી ખરીદી માટે રાજ્ય હસ્તકની એજન્સીઓ (વેન્ડર્સ) ઉપર મોટા પાયે નિર્ભર છે, એટલે ગુણવત્તા ઉપર અંકુશ વધુ જાટિલ બની ગયો હોવાનું સરકાર દ્વારા રજૂ કરાયેલા એક પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું. 
તેમાં એમ પણ દર્શાવાયું હતું કે સરકાર સરકારી ખરીદી માટે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન્સ, ઓડિટ માટે સ્ટોકના સેમ્પાલિંગ અને ક્વોલિટી ટેસ્ટિગ, ગોદામોની પદ્ધતિઓ, સ્ટોકનું પરિવહન અને રાશનની દુકાનો દ્વારા વિતરણ વગેરે બાબતે મહત્ત્વનાં ફેરફારો અમલી બનાવવા ઈચ્છે છે. આવા અનેક ફેરફારો એપ્રિલ સુધીમાં અમલી બનાવવાનું લક્ષ્યાંક છે. 
નોંધનીય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રણ નવા કૃષિ કાયદાને મુદ્દે ભારે તંગ માહોલ છે, ત્યારે આ પગલં  વિચારાઈ રહ્યું છે. સરકાર ભવિષ્યમાં ટેકાના ભાવે અનાજ ખરીદશે કે નહીં તે બાબતે ખેડૂતો આશંકિત છે, ત્યારે સરકારે અવારનવાર સ્પષ્ટ કર્યું છે કે તે ખરીદી અભિયાન બંધ નહીં કરે. તાજેતરની એફસીઆઈને લગતી યોજનાનું ધ્યેય ખરીદ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનું છે, જેથી ખેડૂતો અને અંતિમ વપરાશકાર (જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભાર્થી) બંનેને ફાયદો થાય, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 
અન્ન, ગ્રાહક બાબતો, વાણિજ્ય, ઉદ્યોગ અને રેલવેઝ પ્રધાન પિયૂષ ગોયલના અધ્યક્ષસ્થાને યોજાયેલી અનેક બેઠકોમાં ભારે ચર્ચા વિમર્શ બાદ આ દરખાસ્ત તૈયાર કરાઈ છે. સરકાર અનાજનાં 20-30 વર્ષ જૂનાં ધોરણોમાં ફેરફાર કરવા માગે છે, લણણી અને અનાજના સંચાલનને આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા ઈચ્છે છે તેમજ રસાયણ તેમજ પોષણને લગતાં માપદંડો સામેલ કરવા માંગે છે. ઉત્પન્ન કરેલું અનાજ માનવ વપરાશના ગ્રેડ કરતાં ઉતરતા સ્તરનું ન હોવું જોઈએ. માપદંડો હળવા કરવા બાબતે ફિલ્ડના અધિકારીઓના હાથમાં રહેલી સત્તાને કાપવામાં આવશે. અનાજની ગુણીઓને ટૅગ લાગશે અને ટ્રેડર્સ કે ખેડૂતો એફસીઆઈને કે સ્ટેટ એજન્સીઓને મંડી મારફતે વેચાણ કરે તે પહેલાં પોતાના ઉત્પાદનને મેપ અને ટૅગ કરશે. આનો ઉદ્દેશ અનાજની ખેતરથી માંડીને અંતિમ વપરાશકાર સુધીની ટ્રેસેબિલિટી સુનિશ્ચિત કરવાનો છે. એ જ રીતે, ખાનગી ખરીદી સંદર્ભે તે ગુણવત્તા અને ખરીદીના માપદંડ પણ ઘડવા માગે છે. સરકાર થર્ડ પાર્ટી એજન્સી ઓડિટ હાથ ધરવા માગે છે કેમકે તે માને છે કે આ પ્રકારનું પગલું પારદર્શિતા લાવશે અને ખરીદીનાં કામકાજની વિશ્વસનીયતા વધારશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer