ટૅક મહિન્દ્રા, આઇટીસી, પાવર ગ્રીડ, અલ્ટ્રા ટૅક સિમેન્ટ અને એચસીએલ ટેકમાં ઘટાડે ખરીદી નીકળી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 27 જાન્યુ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ખાનગી બૅન્કિંગ શૅર્સ અને અમુક આઇટી શૅર્સમાં જબરદસ્ત વેચવાલી સાથે પ્રોફિટ બુકિંગ થવાના કારણે સેન્સેક્ષમાં આજે ઇન્ટ્રાડેમાં એક હજાર પોઇન્ટ્સનો કડાકો થયો હતો અને ચોમેર વેચવાલીનો માહોલ જોવા મળ્યે હતો. રોકાણકારોએ સતત ચોથા સત્રમાં વેચવાલીનું માનસ જાળવી રાખ્યું હતું.
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે પાંચ ટકા ઊછળીને બંધ થયો હતો. કેન્દ્રીય બજેટ પહેલાનાં અંતિમ સપ્તાહમાં એફ ઍન્ડ ઓ એક્સ્પાઇરી નજીક આવતાં રોકાણકારોએ રોકાણ છૂટું કરવાનો અભિગમ અપનાવતાં બજારમાં સતત ચોથા સત્રમાં નરમાઇ આગળ વધી હતી. આવતી કાલે જાન્યુઆરી સિરીઝની એક્સપાઇરી છે.
સેન્સેક્ષ 938 પોઇન્ટ્સ ઘટી 47,410 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 14,000ના સ્તરને ગુમાવ્યું હતું અને 271 પોઇન્ટ્સ ઘટી 13,967.50ના સ્તરે બંધ આવ્યા હતા. આજે સૌથી વધુ વધેલા શૅર્સમાં ટૅક મહિન્દ્રા, આઇટીસી, પાવર ગ્રીડ, અલ્ટ્રા ટૅક સિમેન્ટ અને એચસીએલ ટેક 0.79 ટકાથી 2.57 ટકા જેટલા વધ્યા હતા.
એકસીસ બૅન્કનો શૅર 4.05 ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટયો હતો, તે સાથે ટાઇટન કંપની, ઇન્ડસઇન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક અને ડૉ.રેડ્ડી'સ 3.41 ટકાથી 3.88 ટકા જેટલા ઘટયા હતા. આજે બીએસઇમાં સૌથી વધુ સક્રિય રહેલા શૅર્સમાં રિલાયન્સ ઇન્ડ., ટીસીએસ, તાતા મોટર્સ, આઇડિયા અને ઇન્ડસઇન્ડ બૅન્ક મુખ્ય હતા.
સેક્ટર મુજબ, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ વધ્યો હતો, જ્યારે બાકીના તમામ સેક્ટર ઘટાડે બંધ થયા હતા. બીએસઇ સ્મોલ કેપ 0.52 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.38 ટકા ઘટયા હતા.
વૈશ્વિક બજારો
આજે સવારે એશિયન શૅરબજારો મિશ્ર બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી 0.31 ટકા વધીને જ્યારે હેંગસેંગ 0.32 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.57 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપના બજારો ઘટાડા સાથે શરૂ થયા હતા. યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 0.50 ટકા, લંડન શૅરબજાર 0.42 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.49 ટકાના ઘટાડા સાથે ટ્રેડમાં હતા.
કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 42 સેન્ટ વધી 56.33 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 6.80 ડૉલર ઘટી 1844.70 ડૉલર રનિંગ હતું.
એફઍન્ડઓની એક્સપાઇરી પહેલાં બજારમાં કડાકો
