એન્ટ્રી ફીની રોજિંદી રૂ 50 લાખની આવક
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 ફેબ્રુ.
નર્મદા ડેમ પાસે વિકસાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (એસઓયુ) અને તેમાં ઉમેરવામાં આવેલા અનેક આકર્ષણોએ પ્રવાસીઓને તેની મુલાકાત લેવા માટે ફરજ પાડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હાલમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા ઉપરાંત આયુર્વેદ રિસોર્ટ, બોટીંગ અને હેલિકોપ્ટર રાઇડ, વેલી ઓફ ફ્લાવર્સ, રિવરફ્રંટ સાયક્લીંગ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે એસઓયુની મુલાકાત લેનારા મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
કેવડીયાના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હાલમાં વીકેન્ડ સિવાય રોજના એકંદરે 15થી 18 હજાર પ્રવાસીઓનો ઘસારો હોય છે, જ્યારે વીકેન્ડમાં પ્રવાસીઓની સંખ્યા વધીને 30 હજાર સુધી પહોચી જાય છે. એસઓયુમાં સરકારને કેટલી આવક થાય છે તે અંગે અધિકારીઓએ મૌન સેવ્યુ હતુ. આમ છતાં એન્ટ્રી ફી રૂ. 350 અને ઓછામાં ઓછા 15000 પ્રવાસીઓ આવે છે તે જોતા આશરે રૂ. 50 લાખની આવક ગણી શકાય. જોકે અન્ય આકર્ષણો માટે ફી અલગ છે. એ રીતે સરકાર તોતીંગ આવક મેળવે છે.
31 ઓક્ટોબર 2020ના રોજ ઉદઘાટન કર્યા બાદ હજુ વધુ નવા આકર્ષણો ક્યા ઉમેરવા તે અંગે સરકાર વિચારી રહી છે. નવી વિકસાવવામાં આવેલા સવલતમાં ઓફ ફ્લાવર્સ પાસે અમે વેષભુષાનો સમાવેશ થાય છે. તેમાં અવનવી વેષભુષા ધારણ કરીને વેલી ઓફ ફ્લાવર્સ પાસે ફોટા પડાવી શકે છે. કોરોનાને લઇને હાલમાં ટિકીટનું બુકીંગ ફક્ત ઓનલાઇન જ કરાવી શકાય છે. એન્ટ્રી ફી હાલમાં પુખ્તના રૂ. 350 અને બાળકોના રૂ. 200 તેમજ વિવિધ આકર્ષણોના અલગ અલગ ભાવ છે.
દરમિયાનમાં તાજેતરમા જ કેવડીયા ખાતે ઓલ ઇન્ડિયા ટુર ઓપરેટર્સનું એક સંમેલન યોજવામાં આવ્યું હતુ. આ બાબતે ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એડીટીઓઆઇ)ના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ અશોક ધૂતે જણાવ્યું હતું કે જ્યારે વિદેશ પ્રવાસ બંધ છે ત્યારે દેશમાં જ આકર્ષક સ્થળોની મુલાકાત લઇ શકાશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક નવુ નજરાણુ છે. હાલમાં ફક્ત ડોમેસ્ટિક ટુરીઝમ ચાલશે.