અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 23 ફેબ્રુ.
દેશમાં રવી પાક વર્ષ 2020-21 (જુલાઇ-જૂન)માં ચણાનું ઉત્પાદન 96 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન અંદાજ પાછલી સિઝનના 97 લાખ ટનથી એક ટકા ઓછું રહેવાની ધારણા છે. વેપારીઓનો આ અંદાજ કેન્દ્ર સરકારના લક્ષ્ય 114 લાખ ટનથી ઘણો નીચો છે. વેપારીઓનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર ઘટવાથી પાકમાં ચાલુ વર્ષે ઘટાડો આવશે.
કૃષિ આયુક્ત એસ.કે. મલ્હોત્રાએ પાછલા સપ્તાહે કહ્યું હતુ કે વર્ષ 2020-21માં ચણાનું ઉત્પાદન 115 લાખ ટન થવાની સંભાવના છે જ્યારે વેપારીઓ તેનાથી સહમત નથી અને તેમનુ કહેવુ છે કે ચણાના ઉત્પાદનમાં ઘટાડો થશે. ઓલ ઇન્ડિયા દાલ મિલર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલનુ કહેવુ છે કે મધ્યપ્રદેશમાં ચણાના પાકમાં થનાર ઘટાડો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધવાથી સરભર કરવામાં મદદ મળશે. કૃષિ મંત્રાલયના મતે દેશમાં ચણાનું વાવેતર પાછલા વર્ષની તુલનામાં ચાર ટકા વધીને 112 લાખ હેક્ટરે પહોંચી ગયુ છે જ્યારે મહારાષ્ટ્રમાં ચણાનું વાવેતર 13 ટકા અને ગુજરાતમાં 117 ટકા વધારે છે. મધ્યપ્રદેશમાં ચણાનુ વાવેતર ચાલુ વર્ષે છ ટકા ઘટ્યુ છે.
મધ્યપ્રદેશના ખેડૂતોએ ચણાના બદલે ઘઉંને પ્રાથમિકતા આપી છે જ્યારે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ખેડેતો એ ઘઉં અને અન્ય નાના પાકોના બદલે ચણાને પ્રાથમિકતા આપી છે. રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશમા પણ ચણાનું વાવેતર વધ્યુ છે જેનાથી ઉત્પાદન વધવાની સંભાવના છે. રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ડિસેમ્બર-જાન્યુઆરીમા થયેલ વરસાદથી ચણાના પાકને ફાયદો થયો છે. અલબત્ત, મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં દિવસનુ તાપમાન અચાનક વધતા ચણાના ઉત્પાદન પર અસર થઇ શકે છે.