જિઓ બની ગુજરાતની સૌથી મોટી ટેલિકોમ અૉપરેટર

અમદાવાદ, તા. 23 ફેબ્રુ.
જિઓ 4.5 વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલિકોમ અૉપરેટર બની છે અને ગુજરાતમાં સબક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબક્રાઇબરના આંકડા મુજબ, જિઓએ ગુજરાતમાં 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી.  
જિઓએ સપ્ટેમ્બર, 2016માં તેની સેવા શરૂ કરી હતી અને ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટ્રાઇના અહેવાલમાં જણાવાયું છે કે, આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર, 2020માં આશરે 1.62 લાખ સબક્રાઇબર ગુમાવ્યા હતા, જેના પગલે એ કુલ 2.50 કરોડ સબક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી.  
લાંબા સમય અગાઉ જિઓ રાજ્યમાં આવકની દૃષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી અૉપરેટર બની હતી. અત્યારે જિઓ રાજ્યમાં સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી અૉપરેટર બની ગઈ છે.  
જિઓ ઉપરાંત ડિસેમ્બર, 2020માં એકમાત્ર એરટેલએ રાજ્યમાં 2.25 લાખ સબક્રાઇબર ઉમેરીને સકારાત્મક વૃદ્ધિ કરી હતી. 1.14 કરોડ ગ્રાહકો સાથે એરટેલ 16.88 ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે 2.20 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં.  
જિઓ અને એરટેલની કામગીરીને પગલે ગુજરાતમાં મોબાઇલ નંબરોમાં 2.09 લાખનો ચોખ્ખો વધારો થયો હતો, જેના પગલે ગુજરાતમાં ડિસેમ્બર, 2020માં મોબાઇલ સબક્રાઇબર્સનો આંકડો 6.77 કરોડ થયો છે. ગુજરાતમાં કુલ સબક્રાઇબરમાં જિઓ અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે 74.42 ટકા હિસ્સો ધરાવે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer