ભાજપનો જ્વલંત વિજય, કૉંગ્રેસનાં સૂપડાં સાફ

ગુજરાતની છ મનપાની ચૂંટણીમાં  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 ફેબ્રુ.  
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હોમટાઉન ગુજરાતમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. ગુજરાતમાં પ્રથમ વખત પ્રવેશેલી અરાવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ સુરતમાં 27 બેઠકો મેળવીને ભાજપ અને કોંગ્રેસને હચમાચાવી મૂક્યાં છે.  
બીજી બાજુ અમદાવાદમાં અસરુદ્દીન ઔવેસીની પાર્ટીએ કોંગ્રેસની નૈયા ડૂબાડવામાં મહત્ત્વનો ભાગ ભજવીને કુલ છ બેઠકો પર જીત મેળવી છે. આમ 2022 પહેલાની મિની વિધાનસભાની છ મહાનગર પાલિકાઓની ચુંટણીના પરિણામો ભાજપ માટે શુભ સંકેત સમાન છે.   
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 68 બેઠકો પ્રાપ્ત કરી છે. કોંગ્રેસને સમ ખાવ પૂરતી માત્ર ચાર બેઠકો જ પ્રાપ્ત થઇ છે.   
સુરતમાં 30 વોર્ડની 120 બેઠકોમાંથી ભાજપને 93 બેઠકો મળી છે. પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણીમાં ઝંપલાવનારી આપ પાર્ટીએ 27 બેઠકો પ્રાપ્ત કરી છે. આપ પ્રથમ વખત સુરતમાં વિપક્ષી નેતાનો દરજ્જો મેળવશે. સુરતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપને 44 બેઠકો પ્રાપ્ત થઇ છે.  
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19 વોર્ડની 76 બેઠકો પર યોજાયેલી બેઠકોમાં ભાજપને 69 બેઠકો પ્રાપ્ત થઇ છે, જે અત્યાર સુધીની સર્વોચ્ચ બેઠકો છે. તો કોંગ્રેસને ફક્ત 7 બેઠકો પ્રાપ્ત થઇ છે, જે 2010 કરતા બે  બેઠક વધુ છે. તેજ રીતે જામનગરમાં ભાજપને 50 બેઠકો પ્રાપ્ત થઇ છે, જે અત્યાર સુધીની છેલ્લી યોજાયેલી બે ચૂંટણીના પરિણામ કરતા વધુ છે જ્યારે કોંગ્રેસને માત્ર 11 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી બાજુ જામનગરમા બહુજન સમાજ પાર્ટીએ પણ 3 બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો છે.   અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો પરના પરિણામો પર નજર નાખતા અસરુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએએમએ કોંગ્રેસના ગઢ ગણાતા જમાલપુર અને મક્તમપુરા વોર્ડ આંચકીને 8 બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપનો 168 બેઠકો પર જ્વલંત વિજય થયો છે. જે 2015 કરતા 19 બેઠકો વધુ છે. કોંગ્રેસનો ફક્ત 15 બેઠકો પર જ વિજય થયો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer