પેટ્રોલના ભાવે માઝા મૂકતા સીએનજી કિટ તરફ લોકોનો ધસારો

પેટ્રોલના ભાવે માઝા મૂકતા સીએનજી કિટ તરફ લોકોનો ધસારો
કારમાં સીએનજી નખાવવા દોટ, સિલિન્ડરની અછત સર્જાવા લાગી   
પરાશર દવે   
અમદાવાદ, તા. 23 ફેબ્રુ.  
પાછલા વર્ષે કોરોનાને કારણે જીવન ટકાવી રાખવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કોરોના હળવા થતાં જ હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ સામે લડવાનું આવ્યું છે. અમુક શહેરોમાં તો રૂ. 100ના આંક સુધી પહોંચી ગયા છે. આ સંજોગોમાં લોકો હેરફેર પર તો બ્રેક મારી શકતા નથી પરંતુ તેના ઉકેલો જરૂર શોધી રહ્યા છે. પેટ્રોલ કાર માલિકોએ હવે ઇંધણ બચાવવા માટે પોતાની કારમાં સીએનજી કીટ લગાવવાનું શરૂ કરી દીધુ છે.   
છેલ્લા છ મહિનામાં સીએનજી કીટ લગાવવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કીટના ભાવમાં આશરે રૂ. 4થી 5 હજાર રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કાર પ્રમાણે રૂ. 38થી 48000 સુધી કીટની કિંમત ચાલી રહી છે.    
લોકડાઉન ખુલ્યા પછી આ ઉદ્યોગમા જબરદસ્ત ઊછાળો આવ્યો છે. પરંતુ તેમાં એક ખામી કહી શકાય તો તે એ છે કે તેમાં સિલીંડર (ગેસની ટાંકી)ની અછત સર્જાવા લાગી છે. સિલીંડર હિતૈષી, રામા જેવી કંપનીઓ બનાવે છે. પરંતુ તેઓ પુરવઠો પૂરો પાડી શકતી નથી. આ કંપનીઓને કોરોના કાળમાં ઓક્સીજનના સિલીંડરો બનાવવાના જંગી ઓર્ડર મળ્યા હતા અને તે પણ પૂરા પાડવા આવશ્યક હતા. એ કારણે સીએનજી માટે સિલિન્ડરો બહુ ઓછાં બન્યા હતા. હવે કારમાં કીટ લગાવવાની માગ ઘણી જ છે, પરંતુ સામે સિલીંડરો મળતા નથી.   
આ બાબતે કહેતા કાર કીટનું મોટા પાયે કામકાજ કરનાર મુન્નાભાઇએ જણાવ્યું હતું કે ઓઇએમ (ઓરિજીનલ ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ચરર)માં પણ વધારો થતા બજારમાં આ સિલીંડરો ઉપલબ્ધ નથી. અલબત્ત કહીએ તો કાર ઉત્પાદક કંપનીઓ જ સીએનજી કીટ કરીને કાર વેચે છે આમ તેમના પણ ઓર્ડરો તેમને મોટી સંખ્યા મળી રહ્યા છે. ગુજરાતમાં હાલના તબક્કે સીએનજી તરફ વળવાની કાર માલિકોની ટકાવારી વધી રહી છે. સીએનજી કીટ લગાવવાથી કિલોમીટરદીઠ મુસાફરી ખર્ચ સસ્તુ પડે છે. તેમજ દસેક હજાર કિલોમીટર સુધીમાં તો તમારો સીએનજી કીટનો ખર્ચ સરભર થઇ જાય.   
તાજેતરમાં આવેલા ભાવ વધારાને કારણે ગુજરાત સહિત ભારતમાં સીએનજી કીટ નખાવી રહ્યા છે. સિલીંડરો ભારત ભરમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી. જાન્યુઆરીમાં સિલીંડરો થોડા આવ્યા હતા પરંતુ ફેબ્રુઆરી બિલકૂલ આવ્યા નથી. હાલમાં સ્થિતિ એવી છે કે અમારા કારોબારના દરેક વેપારીઓ, ઓઇએમ વાળા વગેરે સિલીંડર ઉત્પાદકોને ત્યાં લાઇન લગાવીને બેઠા છે.   
ગુજરાતમાં મહિને આશરે નિયમિત પણે 3થી 5 હજાર કારમાં કીટ લાગે છે જે છ મહિના પહેલા બેથી અઢી હજારની વચ્ચે કીટ્સ કારમાં નાખવામાં આવતી. પહેલી સીએનજી કાર ફેરવતા હોય તેઓ નવી ગાડી ન લે ત્યાં સુધી તો વાપરે જ છે પરંતુ ભાવ વધારાને કારણે નવા નવા ગ્રાહકો પણ કીટ નખાવી રહ્યા છે. જેમ જેમ લોકોને ખબર પડી રહી છે કે ઇંધણની બચત સારી થાય છે તેના કારણે લોકો આ બાજુ વળી રહ્યા છે. વધુમાં આ કીટ નંખાવવામાંથી કારને પણ નુકસાન થતુ નથી. કેમ કે આ ટેકનોલોજી આખા વિશ્વમાં ચાલી રહી છે. તેમાં જો આડઅસર હોય તો લોકો એમાં પડે જ નહી. ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો સીએનજી કીટ માટે એક સંકટ ગણી શકાય પરંતુ તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતુ કે હું નથી માનતો કે આ કારોબારમાં કોઇ ફરક પડે. કેમ કે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત બમણી હશે. તેના હજુ ચાર્જીંગ સ્ટેશનો હજુ બન્યા નથી. આ યુગમાં આપણી પાસે એકમાત્ર સીએનજીનો વિકલ્પ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer