સોનાની ચમક ઝાંખી પડી : ભાવ આઠ માસના તળિયે

સોનાની ચમક ઝાંખી પડી : ભાવ આઠ માસના તળિયે
મુંબઈ, તા. 23 ફેબ્રુ .
ગયે વર્ષે ઇક્વિટી માર્કેટને પણ ઝાંખી પાડી દેનાર સોનું આ વર્ષે નિસ્તેજ બની ગયું છે. સોનાના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. સ્થાનિક ભાવ આઠ મહિનાના અને આંતરરાષ્ટ્રીય ભાવ ત્રણ મહિનાના તળિયે બેસી ગયા છે.
મંગળવારે સવારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 1807.50 ડૉલર પ્રતિ ઔંસ બોલાતું હતું. લંડનમાં સોના વાયદો 1808.90 ડૉલર બોલાતો હતો. સ્થાનિકમાં મુંબઈમાં 24 કૅરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂા. 46,928 બંધ રહ્યું હતું.
ગયે વર્ષે સોનાએ રોકાણના સાધન તરીકે નેત્રદીપક કામગીરી બજાવી હતી અને 7 અૉગસ્ટ, 2020ના રોજ 2072.49 ડૉલરની અભૂતપૂર્વ સપાટી સર કરી હતી. સ્થાનિકમાં 24 કૅરેટ સોનું રૂા. 56,200ની વિક્રમ સપાટીએ પહોંચ્યું હતું. સોનાના ભાવ વધવાથી તેની માગ ઘટીને 446.4 ટન થઈ ગઈ હતી જે 25 વર્ષમાં સૌથી ઓછી છે.
પરંતુ આ વર્ષે સોનાએ તેની ઝળક ગુમાવી દીધી છે. આ વર્ષના બજેટમાં સોના પરની આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરાઈ છે જે એગ્રીકલ્ચરલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસને ગણતરીમાં લેતાં દસ ટકા થાય છે.
ડૉલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનાના સ્થાનિક ભાવ પર દબાણ આવ્યું છે. રૂપિયાની મજબૂતાઈને લીધે સોનાના ભાવમાં દસ ગ્રામ દીઠ રૂા. 700-800નો ઘટાડો થયો છે, એમ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું.
સાથોસાથ પાઉન્ડ અને યુઆન સિવાયનાં વિશ્વનાં અન્ય મુખ્ય ચલણો સામે ડોલર મજબૂત થઈ જતાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ દબાયા છે. ડોલર ઈન્ડેક્સ ઊંચો જવાથી સોનાને ડોલરનો ટેકો મળતો બંધ થઈ ગયો છે એમ મહેતાએ કહ્યું હતું.
અમેરિકામાં ફુગાવો વધવાના ભયે બોન્ડ બજારમાં વેચવાલી આવતાં દસ-વર્ષીય ટ્રેઝરી બોન્ડનું વળતર વધીને 1.36 ટકા જેવું થઈ ગયું છે. બોન્ડ પરનું વળતર ઊંચું જાય ત્યારે સોનું રાખવાનો ખર્ચ વધે છે કારણકે સોનું પોતે તો કોઈ વળતર આપતું નથી. તેથી રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં સોનાનું પ્રમાણ ઘટાડે છે. એમ કોમટ્રેન્ડ્ઝના રિસર્ચ ડિરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને કહ્યું હતું.
વિશ્વમાં આર્થિક સુધારણાના સંયોગો ઊજળા બનવાથી શૅરબજારો વધ્યાં છે અને રોકાણકારો વધુ જોખમ લેવા તૈયાર થયા છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારત શાખાના મૅનેજિંગ ડિરેક્ટર પીઆર સોમસુંદરમે કહ્યું હતું.
લાંબા ગાળે સોનાના સંયોગો ઊજળા છે, પણ હાલ રોકાણકારો આર્થિક સંયોગોથી દોરવાઈ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer