સરકાર અંત્યોદય કાર્ડધારકોને 18 રૂપિયે પ્રતિ કિલો ભાવે ખાંડ આપશે

સરકાર અંત્યોદય કાર્ડધારકોને 18 રૂપિયે પ્રતિ કિલો ભાવે ખાંડ આપશે
દેશમાં 209  લાખ ટન ખાંડનું ઉત્પાદન  
ડી. કે  
મુંબઈ, તા. 23 ફેબ્રુ.  
દેશની સુગર ઇન્ડસ્ટ્રીએ ફેબ્રુઆરી-21ના પ્રથમ પખવાડિયાના અંતે કુલ 208.89 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે આ સમયગાળામાં 170 લાખ ટન હતું. હવે દેશમા ખાંડનો પુરવઠો પુરતો હોવાથી સરકાર અન્ત્યોદય કાર્ડ ધારકોને પ્રતિ કિલો 18 રૂપિયાના રાહત દરે ખાંડનું વિતરણ કરવાનું વિચારે છે.  
ભારતમાં હાલમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત તથા તામિલનાડુમાં ખાંડનાં કારખાનાં વિશેષરૂપે પ્રોડક્શન કરી રહ્યા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગણા, હરિયાણા પંજાબ તથા મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં થોડું ઉત્પાદન થાય છે. આ બાકીનાં રાજ્યોનું આ સિઝનનું અત્યાર સુધીનું કુલ મળીને 20.43 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે . દેશમાં નવી સિઝનનાં પ્રારંભે કુલ 497 મિલોમાં ઉત્પાદન શરૂ થયું હતું તેમાંથી હાલમાં 33 મિલોએ શેરડીનો પુરવઠો ન હોવાથી ઉત્પાદન બંધ કરી દીધું છે. ગત સિઝનમાં 447 મિલોએ ઉત્પાદન શરૂ કર્યુ હતું અને આ સમયગાળા સુધીમાં 20 મિલો બંધ થઇ ગઇ હતી.  
હાલમાં મહારાષ્ટ્રમાં 183 મિલો કાર્યરત છે. જ્યારે બે બંધ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 75.46 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગત વર્ષે રાજ્યમાં 140 મિલો જ ચાલુ થઇ હતી. અને તેમાંથી પણ પાંચ વહેલી બંધ થઇ ગઇ હતી તેથી ગત વર્ષેઆ સમયગાળા સુધીનું ઉત્પાદન 43.38 લાખ ટન હતું. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં કુલ 120 મિલો ચાલુ થઇ તેમાંથી હાલમાં ચાર બંધ છે અને 116 ખાંડનું ઉત્પાદન કરે છે. અત્યાર સુધીમાં 65.13 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જે ગત સિઝનમાં 140 મિલો શરૂ થઇ હતી તેમાંથી 119 મિલો આ સમયગાળા સુધી ચાલુ હતી અને ઉત્પાદન 66.34 લાખ ટનનું થયું હતું.  
હાલમાં મળતા અહેવાલ પ્રમાણે સરકારે અંત્યોદય યોજના હેઠળ કાર્ડ દીઠ દર મહિને એક કિલો ખાંડના હિસાબે ત્રણ મહિના માટે ત્રણ કિલો ખાંડ આપવાનું આયોજન કર્યુ હતું. જેનું વિતરણ રાશનની દુકાનેથી જાન્યુઆરી-21 માં કરવાની ગણતરી હતી. પરંતુ ખાંડનો પુરવઠો ઉપલબ્ધ ન થવાથી વેચાણ શરૂ થઇ શક્યું નહી. હવે દેશમાં પુરવઠો પુરતો હોવાથી માર્ચ-21 થી કિલો દીઠ 18 રૂપિયાના ભાવે ત્રણ કિલો ખાંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કદાચ જાન્યુઆરી-21 તથા ફેબ્રુઆરી-21 ની ખાંડનું પણ વિતરણ સાથે જ થઇ જશે.  
ઉત્પાદનના આંકડા જોઇએ તો મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઉત્તરપ્રદેશ કરતાં વધારે થયું છે, હાલમાં પણ ઉત્તરપ્રદેશ કરતાં મહારાષ્ટ્રની મિલો વધુ ઉત્પાદન કરે છે . આમછતાં યે  અંત્યોદય કાર્ડ હેઠળ ખાંડનું વિતરણ પહેલા ઉત્તરપ્રદેશમાં શરૂ થઇ રહ્યું છે. મતલબ કે સરકારી જાહેરાતનો અમલ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં ક્યારે શરૂ થાય છે તે જોવાનું રહ્યું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer