પાંચ દિવસની ઊડાઊડ વેચવાલી અટકી

પાંચ દિવસની ઊડાઊડ વેચવાલી અટકી
અૉટો, પીએસઇ અને મેટલ શૅર્સમાં નવેસરથી ખરીદી
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 23 ફેબ્રુ.
સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સમાં નક્કર ખરીદી અને પસંદગીના મેટલ શેર્સમાં જોરદાર ખરીદીના પગલે પાંચ દિવસની વેચવાલીના કારણે ચાર ટકા જેટલા ઘટેલાં બજારો આજે વધીને બંધ થયાં હતાં. અૉટો, પીએસઇ અને મેટલ શેર્સમાં આજે રોકાણકારોએ ખરીદી કરતાં બજારોમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો હોવાની પ્રતીતિ થઇ હતી. તોફાની વધઘટના માહોલ બાદ સત્રના અંતે સેન્સેક્ષ 7 પોઇન્ટ્સ વધી 49,751 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 32 પોઇન્ટ્સ વધી 14,708 પોઇન્ટ્સના સ્તરે બંધ આવ્યા હતા. 
આજે સૌથી વધુ વધેલા શેર્સમાં ઓએનજીસી 5.55 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક, લાર્સન, અલ્ટ્રાટૅક સિમેન્ટ અને એસબીઆઇ 1.57થી  2.65 ટકા જેટલા વધ્યા હતા. 
બીજી તરફ કોટક મહિન્દ્રાનો શેર 3.87 ટકાના ઘટાડા સાથે બીએસઇમાં સૌથી વધુ ઘટયો હતો, તે સાથે મારુતિ, બજાજ અૉટો, એચડીએફસી બૅન્ક અને એચસીએલ ટૅક 1થી 1.66 ટકા જેટલા ઘટયા હતા. આજે એનએસઇમાં સૌથી વધુ સક્રીય રહેલા શેર્સમાં તાતા મોટર્સ, તાતા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડ., એસબીઆઇ અને હિન્દાલ્કો મુખ્ય હતા.
સેક્ટર મુજબ, બીએસઇ મેટલ ઇન્ડેક્સ 3.71 ટકા ઊછળ્યો હતો, જ્યારે અને નિફ્ટીમાં બૅન્ક ઇન્ડેક્સ 0.40 ટકા, ઘટીને જ્યારે અૉટો 0.77 ટકા અને પીએસઇ ઇન્ડેક્સ 2.16 ટકા જેટલા વધીને બંધ આવ્યા હતા. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.74 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.98 ટકા વધ્યા હતા. 
વૈશ્વિક બજારો 
આજે સવારે એશિયન શેર બજારો તેજી સાથે બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી 0.46 ટકા, હેંગસેંગ 1.03  ટકા વધીને અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.31 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપનાં બજારો ઘટાડા સાથે શરૂ થયાં હતાં. યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 1.33 ટકા, લંડન શેર બજાર 0.45 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.29 ટકાના ઘટાડા સાથે ટ્રેડમાં હતા.
કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 50 સેન્ટ વધી 65.74 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 1.60 ડૉલર ઘટી 1806.90 ડૉલર રનિંગ હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer