રમકડાંનાં ઉત્પાદન માટે આઠ ઝોન સ્થપાશે

રમકડાંનાં ઉત્પાદન માટે આઠ ઝોન સ્થપાશે
આત્મનિર્ભર ભારતની દિશાનું કદમ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 23 ફેબ્રુ.
ભારતીય બનાવટના રમકડાંના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે રૂા.2,300 કરોડના ખર્ચે આઠ ટૉય મેન્યુફેકચરિંગ ક્લસ્ટરના નિર્માણકાર્યને મંજૂરી આપી છે.  
સરકારે સ્ફૂર્તિ ( સ્કીમ અૉફ ફન્ડ ફોર રિજનરેશન અૉફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ) જેવી સ્કિમ્સ હેઠળ આ આઠ ટૉયઝ ક્લસ્ટર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ આઠ ટૉયઝ ક્લસ્ટર સ્થપાયા બાદ કાષ્ઠ, લાખ. પામના પાંદડાંમાંથી તેમ જ બામ્બૂ અને કાપડમાંથી બનતા રમકડાંના ઉત્પાદનને વેગ મળશે.
આઠ ક્લસ્ટરની યોજનામાં ત્રણ મધ્યપ્રદેશને, બે રાજસ્થાનને અને કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુને પ્રત્યેકને એક - એક ક્લસ્ટર ફાળવવામાં આવશે. અહીં નોંધનીય છે કે બે ટૉય ક્લસ્ટરનું કામ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સ્ફૂર્તિ સ્કીમ હેઠળ શરૂ થઇ ચૂક્યું છે. કેન્દ્ર સરકારે કુલ સમગ્ર દેશમાં 35 ટૉય ક્લસ્ટરનું નિર્માણ કરવાની યોજના ઘડી છે.  
સ્ફૂર્તિ સ્કીમ હેઠળ વિવિધ લાભ અને સહાયતા કલાકારો અને સાહસિકોને અૉફર કરે છે. તેમાં મુખ્યત્વે કૌશલ્ય વિકાસ, ક્ષમતા નિર્માણ, કૉમન ફેસેલિટી સેન્ટર, રી હાઉસિંગ ફેસેલિટિઝ સાથે સ્થાનિક ઉત્પાદકોને માર્કેટિંગ સુવિધા સાથે ઇ કોમર્સ પ્લેટફોર્મ સહાય આપવામાં આવશે.
આવતી 27મી ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન ઇન્ડિયા ટૉયઝ ફેરના આયોજન પહેલાં સરકારે આ આઠ ટૉય ક્લસ્ટરને માન્યતા આપી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer