મુંબઈનો હીરા ઉદ્યોગ સુરત ભણી

મુંબઈનો હીરા ઉદ્યોગ સુરત ભણી
જાન્યુઆરીમાં હીરાની 65થી 70 ટકા આયાત સુરતમાં થઇ હતી
એજન્સીસ  
મુંબઈ, તા. 23 ફેબ્રુ.
શહેરના હીરાના અનેક નિકાસકારો તેમના ખર્ચમાં કાપ મૂકવા અને પૉલિશ્ડ હીરાના વેપારનું એકસૂત્રિકરણ કરવાના હેતુથી સુરતમાં તેમના એકમોનું સ્થળાંતર કરી ગયા છે. લૉકડાઉનના સમય દરમિયાન શહેરમાં હીરાનો વેપાર લગભગ ઠપ થઇ ગયો હતો અને ત્યારે જ અનેક નિકાસકારોએ તેમની આયાત અને નિકાસને સુરતથી સંચાલન કર્યું હતું અને તેના પગલે તેમણે તેમનો કેટલોક બિઝનેસ સુરતમાં શિફ્ટ કર્યો છે.
જાન્યુઆરીમાં હીરાની 65થી 70 ટકા આયાત સુરતથી થઇ હતી. તેના ઉપરથી સ્પષ્ટ થયું છે કે હીરાના વેપારીઓ મુંબઇ સામે સુરતને આયાત - નિકાસ બિઝનેસ માટે વધુ પસંદ કરી રહ્યા છે. ગત જાન્યુઆરીમાં દેશમાં રફ હીરાની આયાત રૂા.9,215.16 કરોડની થઇ હતી અને જાન્યુઆરી 2020ની તુલનાએ તેમાં 69 ટકાનો વધારો નોંધાયો હતો.  
જોકે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ - જીજેઇપીસીના વાઇસ ચૅરમૅન વિપુલ શાહે ભારપૂર્વક કહ્યું કે હીરાના વેપારમાં મુંબઈનું મહત્ત્વ કાયમ રહેશે કારણકે સેલ્સ અને માર્કેટિંગ મુંબઇથી જ શક્ય છે, મુંબઇ દેશની આર્થિક રાજધાની છે.  
હીરા ઉદ્યોગ હજી પણ કોવિડ મહામારીની અસરોનો સામનો કરી રહ્યો છે અને લૉકડાઉન દરમિયાન વતન ગયેલા કારીગરો હજી પાછા કામ ઉપર આવ્યા નથી, તેથી કુશળ કારીગરોની અછત વર્તાય છે, તેથી વેપારી એકમો ઉત્પાદન એકમની નજીકથી ચાલે તે જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.  
મુંબઈમાં ફરીથી કોવિડ કેસિસ વધી રહ્યા છે ત્યારે બિઝનેસને અસર થાય નહીં તે માટે સુરતથી વેપાર ચાલતો રહે તે સમગ્ર ઉદ્યોગને જીવંત રાખવા માટે અનિવાર્ય છે, એમ જીજેઇપીસીના રિજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.  
સુરત ડાયમંડ બુર્સની રચના થયા બાદ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ઓળખ મળશે અને તેનું મહત્ત્વ વધશે. આવતા મે માસ સુધીમાં સુરત ડાયમંડ બુર્સ કાર્યાન્વિત થવાની અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer