બનાસકાંઠાના બટાટાના ખેડૂતોને નુકસાની થઈ

કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ પરવડતો નથી ઊંચા દર હોવાથી પરાશર દવે   અમદાવાદ, તા. 26 ફેબ્રુ.   ગુજરાતમાં નવા બટાટા આવવાનું શરૂ થઇ ગયુ છે. મોટા ભાગનું ઉત્પાદન બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ થાય છે. પરંતુ આ વખતે બટાટાના ભાવમાં 50 ટકાથી પણ વધુ ઘટાડો થતા ખડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બિયારણના 50 કટ્ટાના ભાવ પાછલા વર્ષે રૂ. 700 હતા તે ચાલુ વર્ષે ત્રણ વધીને આશરે રૂ. 2400-2500 થઇ ગયા છે. વધુમાં ચાલુ વર્ષે ખેડૂતોને ઊંચા ભાવથી બિયારણ લાવવું પડ્યું હોવાથી ઉત્પાદન ઓછુ મળ્યુ  આમ તે દ્રષ્ટિએ પણ ખેડૂતોને નુકસાન ગયું છે.  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બટાટાની મોટા પાયે ખેતી કરતા ખેડૂત મનુભાઇ બારોટે જણાવ્યું હતુ કે વધુમાં બટાટામાં કાળા છિદ્રો (એસ્કેપ) પડી ગયા હતા. કેમ કે બિયારણ સ્થાનિક હતું. આમ ખેડૂતો પાસે હાલમાં 20 ટકા સ્કેપનો માલ થઇ ગયો છે અને 80 ટકા સારા બટાટા છે તેમાં ભાવ મળતા નથી. તેમાંયે ખાતર, લાઇટબીલ ખર્ચમાં વધારો કરે છે. બનાસકાંઠા જિલ્લામાં પોખરાજ, બાદશાહ, એલઆર અને કેની બટાટા ઉગાડવામાં આવે છે. પોખરાજ અને બાદશાહ મોટેભાગે ખાવામાં વપરાય છે જ્યારે એલઆર અને કેનીમાંથી વેફર બને છે.    જો ચાલુ વર્ષે ખેડૂતોને મણદીઠ રૂ. 300 મળે તો ખેડૂતોને થોડી કમાણી થાય પરંતુ હાલમાં આ ભાવ રૂ. 150-160માં   છે.  બટાટા  12 મહિના સુધી સંગ્રહ કરી શકતા નથી. કોલ્ડ સ્ટોરેજના ભાડા પોસાતા નથી અને બીજી બાજો જો ખેતરમાં જ રાખે તો બીજા પાક લઇ શકે નહી. આમ જે ભાવ મળે તે ભાવે બટાટા વેચી દે છે. બનાસકાંઠામાં 80 ટકા વાવેતર બટાટાનું થાય છે. આમ બટાટાના ભાવની સામે બિયારણનો ખર્ચ મુકતા એકંદરે નુકસાન જ છે. ખેડુતોને છેલ્લા બે વર્ષથી ઉતારો ઓછો મળ્યો છે. તેમજ જે લોકોએ બાકી રાખીને બટાટા લઇ ગયા હતા તેમની ઉઘરાણી હજુ સુધી બાકી છે.    બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એક ખેડૂતે જણાવ્યું હતુ કે રવિ સીઝનમાં ખેડૂતોએ સોથી વધુ ઘઉં અને ત્યાર બાદ બીજા ક્રમે 27 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતુ. 20 દિવસ અગાઉ બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 200થી 210 હતા તે હાલ ઘટીને 160થી 180 થઇ ગયા છે જ્યારે ગયા વર્ષમાં   બટાકાનો ભાવ 250-300 રૂપિયા પ્રતિ 20 કિલો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer