ઊંઝા ખાતે નવા જીરુંની આવકમાં વધારો

વરિયાળીમાં નિકાસકારો સહિત વેપારીઓની ધૂમ ઘરાકી   અમારા પ્રતિનિધિ તરફથી   અમદાવાદ, તા. 26 ફેબ્રુ.   ઊંઝા ગંજ બજાર ખાતે નવા જીરાની આવકોમાં ધીમે ધીમે વધારો થયો છે.  સૌરાષ્ટ્ર પછી હવે કચ્છની આવકોનો પ્રારંભ થયો છે. તેની પણ ગુણવત્તા સારી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રાજસ્થાનની વરિયાળીની હોળી પછી આવકો થવાની શક્યતા સેવાય છે. વરિયાળીમાં નવા અને જૂના માલની ઘરાકી સારી છે. અજમામાં પણ મર્યાદિત આવકો સામે માગ હોવાથી આવકો જેટલા જ વેપાર થાય છે. નવા ધાણાની રાજસ્થાનની આવકો સામાન્ય રીતે હોળી પછી  થતી હોય છે.   જીરામાં હાલમાં દૈનિક 8થી 10 હજાર બોરીની આવકો થાય છે. આવકો જેટલા જ વેપારી કામકાજ પણ થઇ રહ્યા છે. નવા માલની ઘરાકી પણ સારી છે. નવા માલના ભાવ રૂ. 2500થી 2800 છે. જ્યારે જૂના માલના રૂ. 200થી 2450 ચાલી રહ્યા છે. જૂના માલમાં વેચવાલી હોવા છતા પણ ઘરાકીનો અભાવ છે.    વરિયાળીમાં હાલમાં 2500 બોરીની આવકો થાય છે. તેમાં નવા માલના રૂ. 2000થી 4000 સુધીના ભાવ બોલાય છે. હલકામાં હલકા માલના રૂ. 2000ની આસપાસ ચાલી રહ્યા છે. વરિયાળીમાં નિકાસકારોની લેવાલી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમાં જૂના માલનો ઉપાડ સારો રહેવાથી રૂ. 150નો વધારો થયો છે. ઇસબગૂલમાં ઘરાકી ઢીલી છે. વધુ પાક થવાની ધારણાએ   ખાસ  માગ નથી. ઇસબગૂલની સામાન્ય રીતે દર વર્ષે માર્ચની આખરમાં ચાલુ થાય છે પરંતુ ચાલુ વર્ષે ઇસબગૂલનો 15 દિવસ વહેલો આવવાની શક્યતા   છે. તેના ભાવ રૂ. 2200થી 2300ના મથાળે છે. ઇસબગૂલમાં પાછલા વર્ષે ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ વધુ વાવેતર કર્યું હોવાના અહેવાલ છે.    અજમામાં આવકો મર્યાદિત રહેતા બજાર મક્કમ છે. અજમામાં રૂ. 2700થી 3200 સુધીના ભાવ છે. તેમાં હાલમાં સૌરાષ્ટ્રમાંથી અને મહેસાણાથી 500 બોરીની આવક થાય છે. દરમિયાનમાં ધાણામાં ઘરાકી નીકળતા રૂ. 100નો સુધારો થયો છે. તેમાં સૌરાષ્ટ્રમાંથી 1500-2000 બોરીની આવકો થાય છે. તેના હલકા માલના રૂ. 1200-1300 અને સારા માલના રૂ. 1400 અને ધાણીના રૂ. 1400-1450 ચાલી રહ્યા છે. ધાણામાં ચાલુ વર્ષે પાક સારો હોવાની શક્યતા સેવાય છે. તેમાં રાજસ્થાનની આવકો હોળી પછી ચાલુ થશે તેમ મનાય છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer