કૈટના ભારત બંધને નબળો પ્રતિસાદ
એજન્સીસ નવી દિલ્હી , તા. 26 ફેબ્રુ. જીએસટીમાં રહેલી કથિત ખામીઓ અને ઇ - કૉમર્સ સંબંધિત મુદ્દાઓના વિરોધમાં વેપારી સંગઠન કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા આજે જાહેર કરાયેલા ભારત બંધને નબળો પ્રતિસાદ મળ્યો હતો. દેશના મોટાભાગના રાજ્યોમાં બંધને હળવો પ્રતિસાદ મળ્યો હોવાનું વિવિધ વેપારી સંગઠનોએ જણાવ્યું હતું પરંતુ કૈટ દ્વારા બંધને 100 ટકા સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અનેક વેપારી સંગઠનો બંધથી દૂર રહ્યા હતા. કોરોના કાળમાં ઠપ થયેલા ધંધાને એક દિવસ માટે પણ બંધ કરી આર્થિક નુકસાન સહન કરવા માટે વેપારી તૈયાર નહીં હોવાનું આજે સ્પષ્ટ થયું હતું. જોકે, કૈટએ આજે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં બંધને સફળતા મળી હતી. મુંબઈમાં અનેક વેપારી સંસ્થાનો આજે બંધમાં સામેલ થયા નહોતા. ભાજપ શાસિત રાજ્યોમાં બંધની અસર નહોતી. યુપીમાં પણ વેપાર ધંધા યથાવત્ ચાલુ હતા. લખનઊ, મેરઠ અને આગ્રામાં દુકાનો ખુલી રહી હતી. રાજસ્થાનના અલ્વર અને જોધપુરમાં મિશ્ર પ્રતિસાદ હતો જ્યારે જયપુરમાં બંધની બિલકુલ અસર થઇ નહોતી. બિહારમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. દેશના ટ્રાન્સપોર્ટ સંગઠનોએ બંધને ટેકો આપતાં નેશનલ હાઇ વે 2,30,31 અને 57 ઉપર ટ્રકો થંભી ગયા હતા.