ગુજરાતના બજેટ માટે મોબાઇલ ઍપ !

ગુજરાતના બજેટ માટે મોબાઇલ ઍપ !
નાણાપ્રધાને કરી લોન્ચ : બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો ગુજરાતી-અંગ્રેજીમાં  ઉપલબ્ધ    અમારા પ્રતિનિધિ તરફથી   અમદાવાદ, તા. 26 ફેબ્રુ.   ડિજિટલ ગુજરાતનું અંદાજપત્ર આ વર્ષે મોબાઇલ પર વાંચવા મળશે. સરકારે `ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન' તૈયાર કરી છે જેનો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.   મોબાઇલ એપ નાણા મંત્રાલયે તૈયાર કરી છે એ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, 2021-22 માટેનું અંદાજપત્ર આગામી તા. 3જી માર્ચના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવનાર છે. આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા વિધાનસભા ગૃહના સભ્યો તેમજ જન સામાન્યને બજેટ સંબંધિત દસ્તાવેજો ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે. આ એપ્લીકેશનમાં ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં આગામી નાણાકીય વર્ષ 2021-22ના અને પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબધિત દસ્તાવેજો ઉપલબ્ધ થશે.  મોબાઇલ એપ્લિકેશન, એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોર પર ``ગુજરાત બજેટ'' લખીને સર્ચ કરે તો સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનમાં મુખ્યત્વે પાંચ વિભાગો છે. જેમાં (1) અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ 27 વિભાગોના વિગતવાર પ્રકાશનો (2) અંદાજપત્રની મહત્વની બાબતો. (3) અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણાપ્રધાનનાં અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ એમ બંને ભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. (4) અંદાજપત્ર અંગેની વિવિધ રસપ્રદ માહિતી અને (5) અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer