વિદેશી કારણોએ વેચવાલીના ઘોડાપૂર

વિદેશી કારણોએ વેચવાલીના ઘોડાપૂર
સેન્સેક્ષ 1939, નિફ્ટી 568 પૉઈન્ટ ઘટયા, બૅન્કિંગ શૅરોમાં મોટી વેચવાલી વ્યાપાર ટીમ   મુંબઈ, તા. 26 ફેબ્રુ.  યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં તીવ્ર ઉછાળાના પગલે વૈશ્વિક બજારોને આંચકો લાગ્યો હતો અને રોકાણકારોએ બોન્ડ્સ ખરીદવા ઈક્વિટીમાં ભારે વેચવાલી કરી હતી. ઉપરાંત ગુરુવારે અમેરિકા દ્વારા સિરીયા ઉપર હવાઈ હુમલો કરવામાં આવતા વૈશ્વિક શૅરબજારો તૂટયાં હતાં.   કોરોના મહામારી બાદ અર્થતંત્રનો વિકાસ થશે એવી અપેક્ષાએ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ વધીને 1.5 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. ભારતમાં 10 વર્ષના સરકારી બોન્ડના યિલ્ડ 6.23 ટકાએ છે. આથી વ્યાજદર વધવાની સંભાવનાએ રોકાણકારોએ ઈક્વિટીમાં રૂ 5 લાખ કરોડની વેચવાલી કરી છે.  સેન્સેક્ષ સત્ર દરમિયાન 2149 પૉઈન્ટ્સ ઘટયા બાદ સત્રના આખરે 1939 પૉઈન્ટ્સ ઘટીને 49,100ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન 629 પૉઈન્ટ્સ તૂટયો હતો અને છેવટે 568 પૉઈન્ટ્સના સ્તરે ઘટીને 14,529 બંધ રહ્યો હતો.   નિફ્ટીમાં ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ગેઈલ, એમઍન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ગ્રાસીમ અને હીરો મોટોકોર્પના શૅરભાવ સૌથી અધિક ઘટયા હતા, જ્યારે સેન્સેક્ષમાં એક્સિસ બૅન્ક, એચડીએફસી, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્કના શૅર સૌથી વધુ ઘટયા હતા.  બીજી બાજુ બીએસઈમાં એમએમટીસી, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, ડ્રેડજિંગ કૉર્પોરેશન, એનએફએલ અને આરસીએફના શૅર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.  વ્યાપક બજારમાં બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 0.7 ટકા અને બીએસઈ મિડકૅપ ઈન્ડેક્સ 1.75 ટકા ઘટયો હતો. ક્ષેત્રવાર સૂચકાંકોમાં યિલ્ડની ચિંતાએ બૅન્કિંગ ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. નિફ્ટી બૅન્ક અને પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ પાંચ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ 4.5 ટકા ઘટયો હતો. નિફ્ટી મેટલ અને ઓટો ઈન્ડેક્સ ત્રણ ટકા ઘટયા, નિફ્ટી એફએમસીજી, આઈટી અને ફાર્મા ઈન્ડેક્સ બે ટકા જેટલા ઘટયા હતા.   વૈશ્વિક બજારો  એશિયાનાં મોટા ભાગનાં શૅરબજારો નવ મહિનામાં સૌથી વધુ ઘટયા હતા. એમએસસીઆઈનો એમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટી ઈન્ડેક્સ 2.7 ટકા ઘટયો હતો, જે છેલ્લા 10 મહિનાની નીચલી સપાટી છે, જ્યારે યુરોપનો સ્ટૉક્સ 600 પણ ઘટાડા સાથે ખૂલીને 0.7 ટકા ઘટયો હતો.   50 દેશને આવરી લેતો એમએસસીઆઈ વર્લ્ડ ઈક્વિટી ઈન્ડેક્સ 0.9 ટકા ઘટયો હતો. જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ ત્રણ ટકાથી પણ વધુ ઘટયો હતો, મે 2020 બાદ આ એક દિવસમાં થયેલો સૌથી મોટો ઘટાડો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer