અર્થતંત્ર વિકાસના પંથે

અર્થતંત્ર વિકાસના પંથે
મંદીનો દોર પૂરો થયો  ડિસેમ્બર 20 ત્રિમાસિકમાં જીડીપીમાં 0.4 ટકાની વૃદ્ધિ   એજન્સીસ  નવી દિલ્હી, તા. 26 ફેબ્રુ.  ભારતીય અર્થતંત્ર કોરોના પ્રેરિત મંદીમાંથી બહાર આવીને ફરી વિકાસના પંથે પડી  ચૂક્યું છે.  વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં ઘટયા પછી ડિસેમ્બર ત્રિમાસિકમાં રાષ્ટ્રીય આવકમાં 0.4 ટકાનો વધારો નોંધાયો હતો. હકારાત્મક વિકાસદર ઉપરાંત જીએસટીની આવક અને મેન્યુફેકચરિંગ જેવા અન્ય નિર્દેશાંકો પણ આર્થિક સુધારણા સરળ ગતિએ આગળ વધી રહ્યાનું સૂચન કરે છે.  ડિસેમ્બર ત્રિમાસિકમાં સ્થિર (2011-12ના) ભાવે દેશની રાષ્ટ્રીય આવક રૂા. 36.22 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના એ જ સમયગાળામાં રૂા. 36.08 લાખ કરોડ હતી, એમ એક સત્તાવાર યાદી જણાવે છે. પ્રસ્તુત ત્રિમાસિકમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રે 1.6 ટકાનો અને બાંધકામ ક્ષેત્રે 6.2 ટકાનો વધારો નોંધાયો હતો. વેપાર, હોટલો, પરિવહન અને દૂરસંચાર સેવાઓમાં 7.7 ટકાનો અને ખાણકામ ઉદ્યોગમાં 5.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ કૃષિ ક્ષેત્રે 3.9 ટકાનો વિકાસ દર્શાવ્યો હતો.  અગાઉ રાષ્ટ્રીય આવક ઉપરાઉપરી બે ત્રિમાસિકમાં (જૂન તેમ જ સપ્ટેમ્બર) ઘટી હોવાથી દેશનું અર્થતંત્ર ટેક્નિકલ દૃષ્ટિએ મંદીમાં આવી ગયું હતું. હવે ડિસેમ્બર ત્રિમાસિકમાં રાષ્ટ્રીય આવકમાં ભલે નાનો શો પણ વધારો નોંધાતાં ટેક્નિકલ દૃષ્ટિએ મંદી પૂરી થઈ છે.  જાન્યુઆરી મહિનામાં જીએસટીની આવક વધીને રૂા. 1.2 લાખ કરોડ થઈ હતી અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો પીએમઆઈ ડિસેમ્બરના 56.4થી વધીને 57.7 થયો હતો. બાર્કલેઝે એ વાત પર ભાર મૂક્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં માગ સબળ રહી છે, વીજળીનું ઉત્પાદન સ્થિર ગતિએ વધી રહ્યું છે, બાંધકામ ક્ષેત્ર વિકસી રહ્યું છે અને જીએસટીનાં ઈ-વે બિલની સંખ્યા વધી રહી છે.  ચાવીરૂપ ઉદ્યોગોનું ઉત્પાદન વધ્યું  વિકાસની ગાડી પાટે ચડી રહી હોવાના વધુ એક નિર્દેશમાં આઠ ચાવીરૂપ ઉદ્યોગોનાં ઉત્પાદનમાં જાન્યુઆરીમાં 0.1 ટકાનો વધારો થયો હતો, જે ખાતર (2.7 ટકા), સ્ટીલ (2.6 ટકા) અને વીજળી (5.1 ટકા)નાં ઉત્પાદનમાં થયેલા વધારાને આભારી હતો. સામે પક્ષે ક્રૂડતેલ, તેલપેદાશો, નેચરલ ગૅસ, કોલસો અને સિમેન્ટનું ઉત્પાદન જાન્યુઆરીમાં ઘટયું હતું. આ આઠ ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદનના અંકમાં 40 ટકા -ભારાંક ધરાવે છે.  બજેટ ખાધ  એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 સુધીના દસ મહિનામાં કેન્દ્ર સરકારની બજેટ ખાધ રૂા. 12.34 લાખ કરોડ હતી, જે 2020-21ના સમગ્ર વર્ષ માટેના સુધારિત અંદાજના 66.8 ટકા જેટલી છે.  રૂા. 11.02 લાખ કરોડની કરવેરાની ચોખ્ખી આવક સામે રૂા. 25.17 કરોડનો કુલ ખર્ચ થયો હતો એમ સત્તાવાર આંકડા જણાવે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer