દુકાનદારો અને વેપારીઓમાં આક્રોશ અને ચિંતા

દુકાનદારો ઉપર અંકુશો, ઈ-કોમર્સ કંપનીઓ અને ફેરિયાઓની તરફદારી શા માટે?
વ્યાપાર ટીમ  
મુંબઈ, તા. 6 એપ્રિલ
મહારાષ્ટ્ર સરકારે  સોમવારથી લાગુ થાય તે રીતે દિવસે પાંચથી વધુ વ્યક્તિઓના જમાવબંધીના અને રાત્રી ઉપરાંત શુક્રવારની રાતથી સોમવારની સવાર સુધીના લૉકડાઉનની જાહેરાતોથી શહેરના દુકાનદારો અને વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.  આક્રોશ વધારે તો એ વાતે છે કે, દુકાનો અને બજારોને બંધ કરાવ્યા હોવાથી ગ્રાહકો તેમની રાજિંદી જરૂરિયાત માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ તરફ વળ્યાં છે. પરિણામે, તેમના ધંધાને માઠી અસર પડી છે.   
મ્યુનિસિપલ ઇન્સ્પેક્ટરોએ આજે સપાટો બોલાવી સોના-ચાંદી, રેડીમેડ ગાર્મેન્ટ, કાપડ, હાર્ડવેર, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી સહિતની તમામ રીટેલ દુકાનો આજે બંધ કરાવી હતી. એક વેપારીઓએ કહ્યું કે, સુધરાઈના ઈન્સ્પેકટરો દુકાનો અને માર્કેટ બંધ કરાવે છે પણ રસ્તા ઉપરના ફેરિયાઓ તેમની નજર સામે ધંધો ચાલુ રાખે છે. દુકાનો બંધ રાખવાનો આદેશ પાછો નહીં ખેંચાય તો રસ્તા પર ઉતરી આવવાની કેટલાક સંગઠનોએ ચેતવણી  આપી છે.  
અનેક સંગઠનોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને સોમવારથી શુક્રવાર સુધી દુકાનો ખુલ્લી રાખવા દેવાની માગણી કરી છે.  
વેપારીઓને ભય છે કે, આ મહિનાની આખર સુધી  ધંધા બંધ રહેશે તો તેમના બહારગામથી પેમેન્ટ મોડા પડશે, બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટના નાણાં ચૂકવવાનું મોડું થતા તેના ઉપર વ્યાજ ચડશે અને સૌથી કરુણતા તો એ કે મહિનાના અંતે  કર્મચારીઓને પગાર ચૂકવવાના વાંધા પડશે. 
ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ વિનેશ મહેતાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું કે, સરકારે કારખાનાં અને ઈ-કોમર્સ કંપોનીઓને પ્રવૃત્તિ ચાલુ રાખવાની પરવાનગી આપી, પણ બજારો અને દુકાનો બંધ કરાવ્યા છે. કારખાનામાં જે માલનું ઉત્પાદન થાય તેને બજારો અને દુકાનો મારફત અંતિમ ગ્રાહકો સુધી પહોંચે નહીં તો તેની વિપરીત અસર વેપાર  ઉપર જ નહીં, રાજ્યના અર્થતંત્ર ઉપર પણ પડશે તેવી ચેતવણી તેમણે આપતા સૂચવ્યું છે કે, દુકાનોને સોમથી શુક્રવાર સુધી  સવારના 9થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવી જરૂરી છે.   
ફેડરેશન અૉફ રીટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશન પ્રમુખ વીરેન શાહે જણાવ્યું છે કે શહેરના દુકાનદારો અને રેસ્ટોરાં વગેરેને કોઈપણ જાતની સબસિડી આપ્યા વિના તેમની દુકાનો બંધ રાખવાના સરકારે આપેલા આદેશથી વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયા છે અને ફેડરેશન તેનો વિરોધ કરે છે. દુકાનદારોને પ્રોપર્ટી ટૅક્સ, લાયસંસ ફી, ભાડાં તેમ જ અન્ય ખર્ચાઓમાં કોઈ રાહત આપ્યા વિના સરકારે લીધેલાં નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. કરોડો રૂપિયાનો સ્ટૉક વેચાયા વિના પડયો રહેશે અને અૉનલાઇન કંપનીઓ ધીકતો વેપાર કરશે. આનાથી રાજ્યમાં રીટેલ અને હોલસેલ વેપાર ખતમ થઈ જશે.  
મુંબઈ સબર્બન શોપકીપર્સ વેલફેર ઍસોસિયેશનના મંત્રી ચંદ્રકાંત રામજી ગાલાએ રીટેલ દુકાનદારોને રાહત આપવાની માગણી કરતા પત્રમાં મુખ્ય પ્રધાનને લખ્યું કે, દુકાનદારોને બાકીઆખો મહિનો ઘરે બેસવાનો વારો આવ્યો છે. તેમની આવક બંધ થતાં તેમનાં કર્મચારીઓને પગાર કેવી રીતે ચૂકવાશે, ભાડું કેમ ભરાશે? તેમના ઘર કેમ ચાલશે? સરકારે આ પ્રશ્નોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.  
ઠાકુરદ્વાર વેપારી સંઘના પ્રમુખ જાદવજીભાઈ ગલિયાએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય સામે અમારો  ભારે વિરોધ છે. તેને પાછો ખેંચવાની  મુખ્ય પ્રધાનને અપીલ કરીએ છીએ.  મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું હતું કે, સરકારના આદેશથી હજારો લોકોને આર્થિક ફટકો પડશે. રાજ્યનું અર્થતંત્ર ખોરવાશે અને વેપારીઓએ તેમનાં કર્મચારીઓને છૂટા કરવા પડશે.  દુકાનદારોને પ્રોપર્ટી ટૅક્સ, ભાડાં, પગાર ચૂકવવામાં ભારે આર્થિક મુશ્કેલી ભોગવવી પડશે.     

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer