પૅકેજ્ડ વૉટરના ઉત્પાદકો દ્વારા બીઆઇએસ કાયદાની ઐસી કી તૈસી

પૅકેજ્ડ વૉટરના ઉત્પાદકો દ્વારા બીઆઇએસ કાયદાની ઐસી કી તૈસી
વ્હીસ્કી વૉટર નામથી મિનરલ વોટર પૅક થાય છે 

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 6 એપ્રિલ

1લી એપ્રિલ 2021થી જેના પર બીઆઇએસ માર્ક લાગેલ નહી હોય એવી પાણીની બોટલો વેચી શકાશે નહી તેવી તાકીદ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડઝ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) એ તેના માટે નવા નિયમ લાગુ કરી દીધાં છે. પેકેઝ્ડ પાણી અથવા મિનરલ પાણી વેચશે તેને એફએસએસએઆઇ લાઇસન્સ પહેલાં બીઆઇએસ લાઇસન્સ લેવું પડશે. એફએસએસએઆઇનો આ આદેશ 1 એપ્રિલ 2021થી લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક ઉત્પાદકો પાણી શબ્દને બદલે વ્હીસ્કી વોટર જેવા અન્ય શબ્દો વાપરીને લોકોને મુરખ બનાવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો બીઆઇએસના કાયદાને લોકો ઘોળીને પી ગયા છે.  

અમદાવાદમાં એક જાણીતા મિનરલ વોટરના ઉત્પાદકે જણાવ્યું હતુ કે અનેક કંપનીઓ જનતાને વિવિધ નામો લખીને મુરખ બનાવે છે તેને અટકાવવા માટે આ આ કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર (પીડીડબ્લ્યુ) અને નેચરલ મિનરલ વોટર (એનએમડબ્લ્યુ)નો કાયદો 1998થી અસ્તિત્વમાં છે. એફએસએસએઆઇનું રજિસ્ટ્રેશન અૉનલાઇન થાય છે અને બીઆઇએસનું રજિસ્ટ્રેશન પહેલા મેન્યુઅલી થતું અને તાજેતરમાં જ અૉનલાઇન ચાલુ થયું છે. ઘણા ઉત્પાદકોએ આ ક્ષતિનો લાભ ઉઠાવ્યો અને બીઆઇએસ લાઈસન્સ ફરજિયાત હોવા છતા એફએસએસએઆઇનું લાઈસન્સ લઇને પાણીને બદલીને અલબત્ત પેકેજ્ડ વોટરને બદલે આરઓ વોટર લખે, બ્લેક વોટર, આલ્કલાઇન વોટર, વ્હીસ્કી વોટર લખીને એવું કહે છે અમારે બીઆઇએસ લાગુ પડતુ નથી.  

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અમારી જેવી નેચરલ વોટરની ત્રણ બ્રાન્ડ છે,મોટાં પ્લાન્ટો દશ જેટલા છે પણ પેકેજ્ડ વોટરવાળા છ હજાર લોકો લાઈસન્સ ધરાવે છે. આમ આ લોકો કાયદાનો ભંગ કરે તેનો ભોગ બધાને બનવું પડે છે. આ અંગે ઍસોસિયેશને  વિરોધ કર્યો હતો. ત્યારે એફએસએસએઆઇ એવો કાયદો લાવ્યુ હતું કે પાણી કોઇ પણ હોય તેણે લાયસન્સ માટે પહેલા બીઆઇએસની અરજી કરવી પડે પછી જ એફએસએસએઆઇનું લાઈસન્સ પ્રાપ્ત થાય. પરંતુ લોકોએ લેબલમાંથી પાણી શબ્દ લખવાનું બંધ કરી દીધુ અને અમારું ડ્રિન્ક છે પાણી નથી એમ કહીને પાણી વેચીને લોકોને છેતરે છે.  

એફએસએસએઆઇ કાયદા 2005ની કલમ સેક્શન 31 અનુસાર દેશમાં કોઇપણ ફૂડ બિઝનેસને શરૂ કરતાં પહેલાં ફૂડ બિઝનેસ અૉપરેટર્સ  (એફબીઓ)ને લાઇસન્સ/રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. હવે તેમાં નવા રેગુલેશન ઉમેરવામાં આવ્યા છે કે કોઇપણ વ્યક્તિ જો બીઆઇએસ માર્ક નહી હોય તો પેકેઝ્ડ પીવાનું પાણી, મિનરલ પાણીનું મેન્યુફેક્ચારિંગ, વેચાણ અથવા વેચાણ માટે પ્રદર્શન નહી કરી શકશે નહી.  © 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer