અમેરિકા-ચીન સંબંધો વણસતાં રૂની તેજીમાં ખાંચરો

અમેરિકા-ચીન સંબંધો વણસતાં રૂની તેજીમાં ખાંચરો
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 6 એપ્રિલ
રૂ બજારની તેજી ઝોલા ખાવા માંડી છે. ગત સપ્તાહે અમેરિકન મે ડિલિવરી વાયદો ગુરુવારે એક જ દિવસમાં 3.7 ટકા તૂટીને 77.83 સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) મુકાયો હતો. ત્રણ સપ્તાહ અગાઉ અમેરિકન કૃષિ મંત્રાલયે રૂના આંતરરાષ્ટ્રીય વેપારનું ગુલાબી ચિત્ર રજૂ કર્યા છતાં આ પરિસ્થિતિ પેદા થઇ છે. 11 માર્ચે યુએસડીએએ કહ્યું હતું કે 2020-21માં જગતનો રૂ વેપાર, 2019-20ની તુલનાએ 8 ટકા વધીને 445 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો) થશે. 2012-13 પછીનો આ ઉચ્ચતમ આંકડો હશે.  
વાસ્તવમાં, અમેરિકાનો સાપ્તાહિક નિકાસ વેપાર 78,400 ગાંસડી થયો હતો, જે અગાઉના સપ્તાહ કરતાં 71 ટકા ઓછો હતો. ચીને 24,000 ગાંસડી રૂની આયાતના કરાર રદ કરી નાખ્યા અને વિયેતનામથી 13000 ગાંસડી રૂની ખરીદી કરી હતી. માર્ચ 2021માં ન્યુયોર્ક રૂ વાયદો 12 ટકા ઘટ્યો હતો. બરાબર એક વર્ષ અગાઉ જ્યારે કોરોના મહામારી જગતના ઉંબરે આવી લાગી હતી ત્યારે માર્ચ 2020માં રૂ વાયદો 17 ટકા ઉછળ્યો હતો. ત્યાર પછી 4 એપ્રિલ 2020થી 25 ફેબ્રુઆરી દરમિયાન અમેરિકન રૂ વાયદો સતત તેજીનાં મોજાં પર સવાર થયો હતો. આ ગાળામાં ભાવ 55 ટકા ઊછળી 95.57 સેન્ટની ઊંચાઈએ મુકાયો હતો. આ તેજી શરૂ થઈ ત્યારે 49.89 સેન્ટની બોટમ બની હતી. 
અમેરિકન પ્રમુખ જો બાયડેનના તંત્રે ચીન સાથેના સંબંધોને વધુ ગૂંચવી નાખ્યા છે. માર્ચની મધ્યથી બંને દેશો વચ્ચેના વેપારમાં ગંભીર સમસ્યા સર્જાઇ છે. છેલ્લાં ત્રણ સપ્તાહથી ચીનના શિનજિયાંગ વિસ્તારના અધિકારીઓ પશ્ચિમના દેશોના વેપાર પ્રતિબંધ સંબંધે વધુ આકરા થયા છે, પરિણામે રૂના વેપારમાં મડાગાંઠ વધુ ગંભીર બની છે. એનાલિસ્ટો કહે છે કે રૂ સહિતની અનેક ચીજવસ્તુઓમાં ચીન સૌથી મોટો આયાતકાર ખેલાડી છે, અમેરિકાએ તેની સાથેના સંબંધો બગાડવાની કોઈ જરૂર ન હતી.  
12 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં રૂ વાયદો 3.5 ટકા ઘટયા પછી 17 માર્ચના સપ્તાહમાં 8 ટકા તૂટયો હતો. ગત સપ્તાહે તો નાઇકે અને એચએન્ડએમ સહિતની ફેશન બ્રાન્ડ સામે બાજિંગે વળતો પ્રહાર કરતાં સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ. ચીનના ઉઈઘૂર સમાજ માટે અમેરિકાના માનવ અધિકાર કર્મશીલોએ વાંધાજનક ટીપ્પણીઓ કરતાં બાજિંગે અમેરિકન ફેશન બ્રાન્ડોની ચીનમાં આવેલી ફેકટરીઓ વિરુદ્ધ જલદ પગલાં લેવાનું શરૂ કર્યું હતું. ચીન સરકારની માલિકીના મીડિયા અને ઓનલાઈન ગ્રાહકોએ જર્મન સ્પોર્ટસવેર એડિડાસ તેમ જ અમેરિકન બ્રાન્ડ ટોમી હિલફીગર સામે પણ જોરદાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. અમેરિકા ચીન વચ્ચેની આ ઝપાઝપી ક્યાં સુધી ચાલશે અને રૂના વેપાર અને ભાવને કેટલી અસર થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. 
અમેરિકન કૃષિ મંત્રાલયે આગાહી કરી હતી કે 2020-21માં વિશ્વમાં કાપડ મિલોનો રૂનો વપરાશ જે ગત મોસમમાં 16 વર્ષના તળિયે ગયો હતો, તે 14.5 ટકા વધીને 1175 લાખ ગાંસડી થશે. સાથોસાથ તેણે એમ પણ કહ્યું કે 2020-21માં ભારત અને ચીનની આગેવાનીમાં રૂનો જાગતિક પાક 2019-20 કરતાં 7 ટકા ઘટીને 1133 લાખ ગાંસડી આવશે, જે ચાર વર્ષમાં સૌથી નાનો હશે. 
રૂના ઉત્પાદન કરતાં મિલોનો વપરાશ વધુ હશે એટલે રૂનો વૈશ્વિક રૂ સ્ટોક ઘટશે એવી આગાહી કરવામાં આવી છે. 2020-21ના અંતે રૂનો જાગતિક સ્ટોક 4 ટકા ઘટીને 946 લાખ ગાંસડી થવાનું તેનું અનુમાન છે. તેની સાથે જ 2020-21નો સ્ટોક અને વપરાશની ટકાવારી (સ્ટોક ટુ યુઝેજ રેશિયો) પણ ઘટશે, જે આ મોસમમાં રૂના ભાવને ઊંચે જવામાં મદદરૂપ થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer