લૉકડાઉનમાં ખેડૂતોએ કરી મબલક કમાણી

લૉકડાઉનમાં ખેડૂતોએ કરી મબલક કમાણી
મુંબઈ, પુણેમાં બારોબાર શાકભાજી વેચીને 
મુંબઈ, તા. 6 એપ્રિલ 
મહારાષ્ટ્રમાં અહમદનગરના 11 ખેડૂતોએ કોવિડ-19 મહામારીને પગલે લાગુ થયેલા લોકડાઉનમાં કિસાનકનેક્ટ નામની ફાર્મર પ્રોડ્યુસર કંપની રચી, જેના દ્વારા તેમણે મુંબઈ અને પૂણે જેવાં શહેરોમાં શાકભાજી વેચીને મબલખ કમાણી કરી. 
માર્ચ, 2020માં દેશભરમાં અચાનક લોકડાઉન લાગુ થયું હતું, ત્યારે લોકો અસહાય બની ગયા હતા, જીવન અવરોધાઈ ગયાં હતાં અને વેપાર-ધંધા ખોરવાઈ ગયાં હતાં. મહારાષ્ટ્રમાં અહમદનગરના ખેડૂતોની સ્થિતિ પણ કંઈ જુદી ન હતી. મુંબઈ, પૂણે અને આસપાસનાં શહેરોમાં શાકભાજી અને ફળો વેચતા ખેડૂતો પાસે માલનો ખડકલો થયો હતો અને તે માલ વેચવા માટે તેમની પાસે બજાર ન હતું. 
પરંતુ, આ કટોકટીને કારણે ખેડૂતોને નવો વિચાર સ્ફૂર્યો અને તેમણે એક લાભદાયક ઉકેલ શોધી કાઢ્યો. સમાન સમસ્યાનો સામનો કરી રહેલા લગભગ ડઝન જેટલા ખેડૂતો વોટ્સએપ મારફતે એકઠા થયા અને તેમણે ઉકેલ વિચાર્યો. એપ્રિલમાં તેમણે પરંપરાગત વચેટિયાઓ ઉપર આધાર રાખવાને બદલે સીધા ગ્રાહકોનો સંપર્ક સ્થાપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. 
લગભગ એક વર્ષ બાદ એટલે કે 2021માં ખેડૂતોનું આ જૂથ 480 સભ્યોની ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં ફેરવાયું અને કિસાનકનેક્ટ નામે ગ્રાહકોને બારોબાર માલ વેચી રહ્યું છે અને એક લાખથી વધુ બોક્સ શાકભાજીનાં વેચાણ મારફતે રૂા. 6.6 કરોડનું ટર્નઓવર નોંધાવે છે. 
11માંથી 480 ખેડૂતો સુધીની કિસાનકનેક્ટની યાત્રા લોકડાઉન દરમ્યાન એક નવો અનુભવ રહ્યો, જેમાં સલામત અને આરોગ્યપ્રદ શાકભાજી છેલ્લા ગ્રાહકને બારોબાર પહોંચાડી શકાયાં. જૂથનો એક સ્થાપક સભ્ય મનીષ મોરે જણાવે છે કે અમારા વિસ્તારના ખેડૂતો એકબીજા સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં છે અને અમે સાથે મળીને ઉકેલ વિચારીએ છીએ. એગ્રિકલ્ચરમાં બી.એસસી. તેમજ બિઝનેસ મેનેજમેન્ટની પદવી ધરાવતા મનીષે બિઝ બાઝાર અને રિલાયન્સ જેવી રિટેલ કંપનીઓ સાથે પણ કામ કર્યું હોવાથી આવી કંપનીઓ ખેડૂતો પાસેથી શું માગે છે, તેનાથી સારી રીતે પરિચિત છે. વળી, આ કંપનીઓની નીતિઓથી પણ તે વાકેફ છે. 
મનીષે 2008માં નોકરી છોડીને ખેતી અપનાવી હતી. તેણે જણાવ્યું કે એપ્રિલમાં તેઓ પોતાનાં નેટવર્કસ મારફતે મુંબઈ અને પૂણેની રહેણાંક સોસાયટી સુધી પહોંચ્યા હતા. ધીમે ધીમે તેમની પહોંચ 100 સોસાયટીઓ સુધીની થઈ અને દર અઠવાડિયે હવે અહીં તેઓ બારોબાર પોતાનો માલ વેચે છે. 
અહમદનગરમાં જ રાહતાનો અન્ય એક એમબીએ ખેડૂત શ્રીકાંત ધોકચાવાલે જણાવે છે કે બારોબાર વેચાણને કારણે મધ્યસ્થીઓ દૂર થયા છે. ગ્રાહકના દરવાજે અમે 24 કલાક કરતાંયે ઓછા સમયમાં શાકભાજી અને ફળોને સ્વચ્છ પેટીઓમાં ભરીને સલામત રીતે પહોંચાડવાનું નવીન ડિલિવરી મોડેલ શોધી કાઢ્યું છે. 
પહેલા જ મહિને ખેડૂતોના આ જૂથે રૂા. 40 લાખ જેટલું ટર્નઓવર નોંધાવ્યું હતું, તેમની સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ તેમની સાથે જોડાયા. પહેલા છ મહિના તેમણે વોટ્સએપ મારફતે કામ ચલાવ્યું. તે પછી ગ્રાહકોને વોટ્સએપ ઉપર મેનેજ કરવા મુશ્કેલ બનતાં ઓર્ડર્સ મેળવવા માટે વેબસાઈટ વિકસાવી. હાલમાં તેમની પોતાની મોબાઈલ ઍપ, વેબસાઈટ અને કસ્ટમર સર્વિસ સેન્ટર પણ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer