હીરાના વેપારને અસર થવાની સંભાવના

હીરાના વેપારને અસર થવાની સંભાવના
મહારાષ્ટ્રમાં કોરોના બ્લાસ્ટ થયા બાદ રાજ્ય સરકારે કેટલાક કડક નિયંત્રણો લાદ્યાં છે. જેના કારણે ફરી એક વખત વેપાર-ધંધાને મોટી અસર થાય તેમ છે. મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદત માટે બંધ કરાયા બાદ હીરાના વેપારને અસર થવાની સંભાવના છે.  
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે જ્યારે બાકીના દિવસો માટે પણ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. જેના કારણે વેપારને અસર પહોંચે તેમ છે. સુરતમાં હીરાનું કટીંગ-પોલિશ્ડનું કામ થયા બાદ તેની નિકાસ કરવા માટે ફરી મુંબઇ મોકલવામાં આવે છે. આથી મોટાભાગના સુરતના હીરાઉદ્યોગકારો એક ઓફિસ સુરતમાં ધરાવતા હોય તો બીજી ઓફિસ મુંબઇમાં બીડીબીમાં ધરાવતા હોય છે.  
બીડીબીને અચોક્કસ મુદત માટે બંધ કરાયાની જાહેરાતથી સુરતના હીરાનાં પાર્સલો અટવાય તેવી ભીતિ છે. જો કે, ગત વર્ષમાં લોકડાઉન વખતેથી સુરતથી તૈયાર હીરાની નિકાસ શરૂ થયા બાદ અનેક પાર્સલો ડાયરેક્ટ સુરતથી વિદેશ પહોંચે છે. આમ છતાં હજુ પણ મોટાભાગનો તૈયાર માલ મુંબઇથી જ જતો હોવાથી બીડીબી બંધ થવાના કારણે હીરાનો વેપાર ઠપ થવાની ભીતિ છે.  
હાલમાં સુરતના મહીધરપૂરા અને મિનિબજાર 25 થી 30 ટકાના કામકાજ સાથે ચાલે છે. બીડીબીની જાહેરાત સુરતના બન્ને સ્થાનિક બજારને અસર પહોંચાડે તેમ છે. મુંબઇથી માલ અને નાણાં બન્ને નહિ આવે તો નાના વ્યવસાયિકોને મુશ્કેલી આવે તેમ છે.  
નોંધવું કે, બીડીબીમાં જેઓ ઓફિસ ધરાવે છે તેઓને ગઇકાલે જ એક સૂચના દ્વારા જણાવવામાં આવ્યું છે જેઓનો કિંમત સામાન જેમ કે લેપટોપ, ચેકબુક, જરૂરી કાગળો લઇ જવા. જેથી ગત વર્ષે લોકડાઉન દરમ્યાન જેવી મુશ્કેલી આ વખતે સર્જાય નહિ. આ વખતે બીડીબીના સભ્યોને એડવાન્સમાં જણાવી દેવામાં આવતા સભ્યોને થોડી રાહત થઇ છે. અન્યથા ગત વર્ષે બીડીબીના સભ્યોને ભારે મુશ્કેલી ઉભી થઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer