કાપડ માર્કેટના એક લાખથી વધુ શ્રમિકોએ વતનની વાટ પકડી

કાપડ માર્કેટના એક લાખથી વધુ શ્રમિકોએ વતનની વાટ પકડી
લૉકડાઉનનો તોળાતો ભય : વેપાર-ધંધા ફરી અસ્તવ્યસ્ત
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 6 એપ્રિલ 
કોરોનાની બીજી લહેરનો ભરડો વધુ મજબૂત બની રહ્યો છે. ગત વર્ષે દેશભરમાં હિજરતનાં ઐતિહાસિક દૃશ્યો સૌ કોઇએ જોયાં હતાં. ચાલુ વર્ષે પણ કોરોનાની બીજી લહેરના કારણે હિજરતનાં દૃશ્યો ફરી એક વખત જોવા મળી રહ્યા છે. સુરતમાં કાપડમાર્કેટ સાથે મોટી સંખ્યામાં યુપી, બિહારના કારીગરો અને મજૂર વર્ગ સંકળાયેલો છે. હોળી-ધુળેટીની રજા બાદથી કાપડમાર્કેટ સાથે સંકળાયેલા મજૂર વર્ગમાં વતન વાપસી ચાલી રહી છે. પણ બીજા અનેક મજૂરો વતન ઉપડી ગયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આવી સંખ્યા એકાદ લાખ જેવી થાય છે. 
જે પ્રકારે માર્કેટમાં કોરોના વિસ્ફોટ થયો છે તે જોતાં આગામી મહિના સુધી કારીગરો પરત ફરે તેવી સંભાવના જણાતી નથી. કાપડ બજારમાં કટિંગ ફોલ્ડીગ, પાર્સલ પાકિંગ અને ડિસ્પેચીંગના કામકાજ સાથે સંકળાયેલા કારીગર-મજૂરો વતન ઉપડી ગયા છે. કાપડ માર્કેટ સાથે અંદાજે 3.5 લાખ કારીગરો આ કામકાજમાં વ્યસ્ત છે. 
સુરતમાં માર્કેટ વિસ્તારમાં તંત્ર દ્વારા કડકાઇથી ગાઇડ લાઇનનો અમલ શરૂ થયા પછી કારીગર અને મજૂર વર્ગમાં એક પ્રકારનો ડર વ્યાપી ગયો છે. તેને કારણે તેઓ વતન જવાનું શરૂ કર્યું હતું. એમ પાર્સલ કોન્ટ્રાકટર ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું. 
તેઓ ઉમેરે છે કે, હાલ કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાયો છે જેને લઇને મંદીનો માહોલ હોવાથી કારીગરોની ખેંચ એટલી અનુભવાતી નથી. કામકાજ ખૂબ જ સીમિત છે. યુપીમાં સરપંચની ચૂંટણી હોવાને લઇને પણ કારીગર વતન જઇ રહ્યા છે તો અનેક કારીગરો અને મજૂર વર્ગ પરિવારમાં લગ્નના કાર્યક્રમો હોવાના લીધે પણ વતન ઉ5ડી ગયા છે. 
સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા હોવાને કારણે ફરી લોકડાઉનની ભીતિ મજૂર વર્ગમાં જોવા મળી છે. ગત વર્ષ જેવા હાલ ન થાય તે માટે તેઓ અત્યારથી જ જે વાહન મળે તેમાં જઇ રહ્યા છે. જેઓને ટ્રેનમાં ટિકિટ મળી રહી નથી તેઓ ખાનગી વાહનમાં વતન પહોંચી રહ્યા છે. 
હોળી-ધુળેટી પછીથી કારીગર અને મજૂર વર્ગ મોટી સંખ્યામાં ખાનગી લક્ઝરી બસોમાં પોતાના વતન યુપી- બિહાર રવાના થઇ રહ્યા છે. સુરતના પાંડેસરા, સહારા દરવાજા અને સારોલી-બારડોલી રોડથી લક્ઝરી બસો રવાના થઇ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer