રસી કે ટેસ્ટ રિપોર્ટ સિવાયના કાપડના વેપારીઓની દુકાન સીલ કરવા ચીમકી

કૉર્પોરેશને નવો ફતવો બહાર પાડતા વેપારીઓમાં ચિંતા 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 9 એપ્રિલ 
સામાન્યત: લોકોની ભીડથી ઉભરાતા સુરતના કાપડ માર્કેટમાં છેલ્લા ઘણા દિવસથી તંત્રના કડક નિયંત્રણોના પગલે ભીડ પર આંશિક નિયંત્રણ આવ્યું છે. પરંતુ સાંજ થતા સુધીમાં માર્કટમાં ભીડના દ્રશ્યો તંત્રની કામગીરી અને લોકોની બેદરકારીની પોલ ઉઘાડી નાખે તેવા હોય છે. ચાલુ સપ્તાહથી માર્કેટમાં પ્રવેશનાર દરેક માટે આરટીપીસીઆર અને વેકસીનેશન ફરજીયાત કર્યા બાદ વેપારીઓમાં ઉહાપોહ મચી ગયો છે. એવામાં વળી  જે લોકો પાસે રસી કે રિપોર્ટ નથી તેઓની દુકાન સીલ કરવાની ચીમકીથી વેપારીઓમાં આક્રોશ છે. 
શહેરમાં રસીકરણ ઝુંબેશ ઝડપેભર થઇ રહી હોવાથી બે દિવસ પહેલાં શહેરમાં રસીની અછત વર્તાઇ હતી. જેના કારણે ઠેકઠેકાણે  કાર્યક્રમ અટકાવવો પડ્યો હતો. આવા સેન્ટરો પર લોકો ભારે ભીડ કરતા હોવાથી કોરોના ત્યાંથી જ ફેલાય તેવી દહેશત પણ વેપારીઓએ વ્યક્ત કરી છે.  
અનેક વેપારીઓનું માનવું છે કે, મોટી સંખ્યામાં લોકોને રસી આપવાની હોવાથી તંત્રનો સ્ટાફ પણ ટૂકો પડે છે. એવામાં દરેક પાસે એક-બે દિવસથી રસી આવે તે સંભાવના નથી. રીપોર્ટ કરાવવા સહુ તૈયાર છે. પરંતુ આરટીપીસીઆર બે દિવસ વેલિડ રહ્યા બાદ ફરી કરાવવો પડે છે. જેના કારણે વેપારીઓને ભારે આપદાનો સામનો કરવો પડી રહ્યો છે. ગઇકાલે તમામ માર્કેટમાં માઇકથી સૂચના જારી કરવામાં આવી હતી કે આવતીકાલે મનપાની ટીમ રેન્ડમ ચેકીંગ કરશે જેમાં જેઓ પાસે રિપોર્ટ કે રસી નહિ હોય તેઓની દુકાન સીલ કરવામાં આવશે. એક બાજુ વેપાર-ધંધા લગભગ બંધ જેવા છે. એવામાં આ પ્રકારની એનાઉન્સમેન્ટથી લોકોમાં ભય વ્યાપ્યો છે.  
સુરત ટેક્સટાઇલ માર્કેટ (એસટીએમ)માં અનેક વેપારીઓએ વ્યાપારની ટીમને ફોન કરીને વ્યથા વ્યક્ત કરી હતી. દુકાનોને સીલ મારશે તો અમે ક્યાં જઇશું ? રસીકરણનું તંત્ર કહે છે કે રસીનો જથ્થો નથી તો એમાં શું અમારો વાંક છે?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer