લૉકડાઉનની દહેશતથી કારીગરોની હિજરતનો ભય

દક્ષિણ ગુજરાત ચેમ્બરે હિજરત અટકાવવા માટે સરકારને સૂચનો મોકલ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 9 એપ્રિલ 
કોરોના અને લોકડાઉનના ભયને કારણે કારીગર અને મજૂર વર્ગ ફરી એક વખત વતન હીજરત કરે તેવી ચિંતા ઉદ્યોગકારોમાં વ્યાપી છે જેને લઇને દક્ષિણ ગુજરાત ચેમ્બરે સરકારને તત્કાળ કેટલાક સૂચનો મોકલ્યા છે. 
ચેમ્બરે કહ્યું છે કે, લોકડાઉનની દહેશત કારીગરોમાં વ્યાપી છે. જેને દૂર કરવા માટે કામ ધંધા સુચારુ રૂપે ચાલુ રહેવા જોઇએ.  ઓછી કેપેસીટી સાથે કામકાજ ચાલુ રહે તે માટે તમામ પ્રયાસો ઉદ્યોગકારો કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ સરકાર પણ કામદારો વતન જાય ન તે માટે કેટલા પગલા ભરે તેવી માગણી ઉદ્યોગની છે.  
દક્ષિણ ગુજરાત ચેમ્બરના પ્રમુખ દિનેશભાઇ નાવડિયા જણાવે છે કે, સુરતમાં કારીગરો યુપી, બિહાર, ઓરીસ્સા, ઝારખંડ જેવા રાજ્યમાંથી આવતા હોય અને પાછાજવાની શક્યતા હોય તેવા સંજોગોમાં કોવીડ-19 પ્રસરવાની શક્યતા વધુ હોવાથી આંતરરાજ્ય બસ સર્વીસીસ ઉપરોક્ત રાજ્યોમાં તાત્કાલીક પેસેન્જર કેપેસીટી ઓછી કરવી જોઇએ. સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આક્રમક રીતે ઔદ્યોગિક કારીગરોનું ટેસ્ટીંગ અને વેક્સીનેશન હાથ ધરાવવું જોઈએ. સુરતમાં આવેલ તમામ લેબર કોલોનીમાં સેનીટાઈઝેશન યુધ્ધના ધોરણે થવુ જોઈએ.  
રાત્રે 8:00 થી સવારે 6:00ના કરફ્યુ સમયગાળા દરમ્યાન પણ જે એકમો કોવીડ-19ની ગાઈડલાઈન જેવી કે, સોશ્યલ ડીસ્ટન્સીંગ, ટેપ્રેચર માપણી, માસ્કનું નિયમ પ્રમાણે વપરાશ કરાવતા હોય એવા એકમોને કરફ્યુ દરમ્યાન ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઈએ. શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં અથવા જે વિસ્તારમાં લેબર કોલોની આવેલી છે એ વિસ્તારમાં જીવન જરૂરીયાતનો સ્ટોક ઘટી ન પડે તેની તકેદારી રાખવી જોઈએ અને સતત મોનીટરીંગ થવું જોઈએ. ઉપરોક્ત તમામ સૂચનો અમલ કરવા અર્થે ચેમ્બરનો જે કોઈપણ રીતે મદદરૂપ થઈ શકે તેમાં આપને સહકાર આપશે તથા સુરતમાં આવેલ વિવિધ એસોસીએશન સાથે સંકલન કરી આપના પ્રયત્નોમાં સહભાગી રહેશે.  
હોળીના તહેવારની ઉજવણી 5રિવાર સાથે કરવા માટે આમ પણ ઘણા કારીગરો પરિવાર સાથે વતન પહોંચી ચૂક્યા છે. જેઓ હાલ સુરત પરત ફર્યા નથી. કાપડમાર્કેટમાં ફોલ્ડીંગ, પોટલા ઉંચકવાના, પેકીંગ, કાપડ કટીંગના કામ સાથે સંકળાયેલા અંદાજે એકાદ લાખ મજૂર વર્ગ ઉત્તર પૂર્વ અને ઉત્તરના રાજ્યોમાં પોતાના વતન પહોંચ્યા છે. સુરતના મીલ માલિકોને ચિંતા છે કે જો સ્થિતિમાં સુધારો નહિ થાય તો અનેક કારીગરો વતન હીજરત કરે તેમ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer