નિકલમાં ગોઠવાતો તેજીનો તખતો : બાર મહિનામાં $ 22000 થવાની આગાહી

ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 9 એપ્રિલ 
ધાતુબજારમાં હવે પછી નિકલને તેજીનો તોખાર પુરવાર થવાની તક મળશે. એનાલીસ્ટોનું માનવું છે કે ઓછો સ્ટોક તેમ જ ઇલેક્ટ્રિક વિહિકલ્સ અને સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગની વધતી જતી માગને જોરે નિકલના ભાવ આગામી બાર મહિનામાં ટનદીઠ 20,000 ડોલરની સપાટી વટાવીને 22,000 ડોલર થશે, જે વર્તમાન ભાવથી 30 ટકા વધુ હશે. સપ્ટેમ્બર 2011માં આ ભાવ જોવાયા હતા. ભારતમાં નિકલના ભાવ કિલો દીઠ રૂ. 1550ની સપાટી કુદાવી જશે.  
ગુરુવારે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો આ મહિનાની નવી ઊંચાઈએ 16,797 ડોલર મુકાયો હતો. અલબત્ત, માર્ચ મહિનામાં 14 ટકાનું ગાબડું પડ્યું હતું. ફેબ્રુઆરીનો અંત અને માર્ચના આરંભના 10 દિવસમાં વાયદાના ભાવ 20 ટકા તૂટયા હતા.  
ચીનની સૌથી મોટી નિકલ કંપની ત્સીન્ગશાન સાથે મળીને ઈન્ડોનેશિયા એક નવો મેટલ સ્મેલ્ટિગ પ્લાન્ટ સ્થાપવા માગે છે. ચીની કંપની ઇલેક્ટ્રિક વિહિકલ્સની કાર બેટરી ઉદ્યોગ વિકસાવવા માટે જરૂરી મૂડી પણ પૂરી પાડશે. એવું મનાય છે કે 2033 સુધીમાં ચીનના સ્ટેનલેસ સ્ટીલ અને બેટરી ઉત્પાદકોના નેજા હેઠળ નિકલ પ્રોસેસીંગમાં રોકાણ બમણું થઈને 35 અબજ ડોલર થશે. ફિલિપાઈન્સમાં નિકલની કાચી ધાતુનું ઉત્પાદન આગામી પાંચ વર્ષ સુધી વધતું રહેશે, પણ મુશ્કેલી એ છે કે કડક નિયમનોને લીધે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવું મુશ્કેલ છે. 
એસએન્ડપી ગ્લોબલના માર્કેટ ઇન્ટેલિજન્સના એક અભ્યાસ અહેવાલ અનુસાર ફિલિપાઈન્સમાં 2020થી 2025 દરમિયાન ખાણોમાંથી નિકલનું ઉત્પાદન 2.10 લાખ ટનથી વધીને 5.50 લાખ ટને પહોંચશે. ગત વર્ષે ઇન્ડોનેશિયાએ નિકલની કાચી ધાતુની નિકાસ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવી દેવાથી ફિલિપાઈન્સ હવે વિશ્વમાં ખનિજ નિકલનો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે. 
ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધ મૂક્યો તે અગાઉ તે 8.55 લાખ ટન ખનિજ નિકલ પેદા કરતો હતો એ જોતાં આવતાં પાંચ વર્ષમાં ફિલિપાઈન્સ 5.5 લાખ ટનના લક્ષ્યાંકે પહોંચે તો પણ તે ઈન્ડોનેશિયા કરતાં ક્યાંય પાછળ રહેશે. ચીનનું પ્રાથમિક નિકલ ઉત્પાદન 2020માં 7.15 લાખ ટન હતું તે 2025 સુધીમાં ઘટીને 4.90 લાખ ટન થવાનો ભય છે. આ જોતાં જો ફિલિપાઈન્સ તેની તમામ નિક્રિય નિકલ ખાણ સ્ત્રોતને પ્રવૃત કરે તો પણ તે ચીનની માગને પહોંચી વળવા સક્ષમ નહીં હોય એમ એસએન્ડપીનું કહેવું છે.  
ચીનમાં ગત સપ્તાહે લાંબી રજાઓ સાથે આવ્યા છતાં નિકલના હાજર પ્રીમિયમ દબાણમાં રહ્યાં હતાં. બજારનું સેન્ટિમેન્ટ હકારાત્મક હોવા છતાં ચીનમાં આર્બિટ્રેજ નિકલ પ્રીમિયમ ઘટવાનું કારણ એ હતું કે રજાઓને લીધે હાજર બજારમાં પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ હતી. પણ પાંચમી એપ્રિલે રજા હોવા છતાં ચીનમાં આર્બિટ્રેજ પ્રીમિયમનો ઘટાડો સંકડાઈ ગયો હતો. તેથી એવી આશા જાગી હતી કે હવે આર્બિટ્રેજનાં કામકાજ ફરી શરુ થઇ શકશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer