ઉદ્યોગોને અપાતાં પાણીના ભાવ વધ્યા

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 9 એપ્રિલ 
ગુજરાતમાં ઔદ્યોગિક એકમોને અપાતા પાણીના દરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (જીડબ્લ્યુઆઇએલ) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (જીડબ્લ્યુએસએસબી) દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો છે. એવી જ રીતે સિંચાઈ વિભાગ દ્વારા પણ ભાવવધારો ઝીંકાયો છે. જીડબ્લ્યુઆઇએલ અને જીડબ્લ્યુએસએસબીનો જૂનો રેટ એક હજાર લિટરદીઠ રૂ. 46.78 હતો, જે હવે વધીને રૂ. 51.45 થયો છે. એવી જ રીતે સિંચાઈ વિભાગ તરફથી ઉદ્યોગોને અપાતા પાણીનો જૂનો દર પ્રતિ હજાર લિટરે રૂ. 31.40 હતો, જે હવે વધીને રૂ. 34.54 થયો છે. આના કારણે ઉદ્યોગજગતમાં નિરાશા વ્યાપી ગઇ છે.   ઔદ્યોગિક એકમોએ જણાવ્યા અનુસાર પાણીનો સૌથી વધુ વપરાશ કેમિકલ ઉદ્યોગ અને પ્રોસેસ હાઉસોમાં થાય છે ત્યારે આ વધારાથી તેમની કમર તૂટી જશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (એફઆઇએ)ના દ્વારા પણ ગુજરાત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવનાર છે.   એફઆઇએના સેક્રેટરી અજીત શાહે જણાવ્યું હતું કે   દર વર્ષે જે 10 ટકાનો વધારો કરવામાં આવે છે તે પાંચ વર્ષે કરવો જોઇએ. કારણ કે નર્મદા યોજનાનું કામ પૂર્ણ થઇ ગયું હોવાથી તેમાં સરકારને કોઇ ખર્ચ થવાનો નથી ત્યારે સરકારે ઉદ્યોગોને આવા કપરા સમયમાં ટેકો આપવો જોઇએ. આ પ્રકારની રજૂઆત અમે સીધી જ મુખ્યપ્રધાનને કરવા જઇ રહ્યા છીએ.   તેમણે વધુમાં જણાવ્યું હતુ કે કોરોના કાળમાં માંડ માંડ ઉદ્યોગો ચાલે છે ત્યારે દર વર્ષે આ રીતે 10 ટકાનો વધારો કરવાથી ઉદ્યોગો કેવી રીતે ટકી શકશે. વધુમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કપરી બનતી જાય છે ત્યારે જો ઉદ્યોગો સદ્ધર હશે તો જ અન્ય માણસોને સાચવી શકાશે.  
દરમિયાનમાં જીડબ્લ્યુઆઇએલ દ્વારા રાજ્યના આશરે 600 ઔદ્યોગિક એકમોને તથા જીડબ્લ્યુએસએસબી દ્વારા આશરે 100 ઔદ્યોગિક એકમોને ઔદ્યોગિક વપરાશ માટે પાણી અપાય છે, જ્યારે સિંચાઈ વિભાગ તરફથી 200 જેટલા ઉદ્યોગોને પાણી પૂરું પડાય છે.2019-20ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ બોર્ડ તથા જીડબ્લ્યુઆઇએલ દ્વારા ઉદ્યોગોને કુલ 125.08 એમએલડી પાણી પૂરું પડાયું છે, અગાઉના વર્ષે 111.42 એમએલડી પાણી અપાયું હતું. ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પણ ઔદ્યોગિક એકમોને પાણી વેચાતું અપાય છે. 
આ એજન્સી 36 મોટા ઉદ્યોગોને પાણી પૂરું પાડે છે અને તેનો રેટ સિંચાઈ વિભાગ જેટલો જ રહેતો હોય છે. સરકારી સૂત્રો કહે છે કે, દર વર્ષે પાણીના દરમાં 10 ટકાનો વધારો કરવાનો નિયમ છે. અને એ મુજબ પહેલી એપ્રિલથી નવો રેટ લાગુ થઈ જાય છે. રાજ્યમાં ઔદ્યોગિક એકમોને સૌથી પાણી સપ્લાય કરતાં તંત્રો ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને પાણી પુરવઠા બોર્ડના પાણીના દર 8 વર્ષ પહેલાં 2015-16માં રૂ. 35.48 હતો, જે હવે બમણો થઈ ગયો છે. ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer