હૂંફાળા હવામાનની આગાહીથી નેચરલ ગૅસમાં નાટ્યાત્મક ગાબડું

ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 9 એપ્રિલ  
આગામી થોડાં સપ્તાહ સુધી અમેરિકા અને યુરોપનું હવામાન વધુપડતું હૂંફાળું રહેશે એવા અનુમાન પર ઈસ્ટર તહેવારો પછી નેચરલ ગેસમાં નાટ્યાત્મક ગાબડાં પડયાં હતાં. હવામાનખાતું કહે છે કે એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં હુંફાળું હવામાન રહેશે, નાયમેક્સ વાયદો સોમવારે ઘટીને 2.51 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ બંધ થયો, જ્યારે જૂન ઘટીને 2.58 ડોલર થયો. સોમવારે મે વાયદો પાંચ ટકા ઘટીને ઇન્ટ્રાડેમાં 2.50 ડોલર સુધી ઘટ્યો હતો. 
બિસ્પોક વેધર સર્વિસિસના એનાલિસ્ટ કહે છે કે યુરોપ અને અમેરિકામાં સપ્તાહના અંતની ત્રણ દિવસની રજાઓમાં હવામાન ઓછું આકરું અને ઉષ્માભર્યું હતું. હવામાનમાં આવા વ્યાપક ઉતારચઢાવને લીધે ભાવ વેગથી ઘટયા હતા. હૂંફાળા હવામાન ઉપરાંત ઉત્પાદનમાં વૃધ્ધિ અને ફ્રીજિંગ પાવર માટે ઓછા વપરાશ જેવાં કારણો પણ ભાવને નીચે જવામાં મદદરૂપ થયા હતા. 
દરમિયાન વૂડ મેકેન્ઝીના એનાલિસ્ટ કહે છે કે અમેરિકાનો ગેસના અનામત ભંડારનો વધારો ગત સપ્તાહે પાંચ વર્ષના સરેરાશ દૈનિક જથ્થા કરતાં માત્ર 0.4 અબજ ઘનફૂટ ઘટીને 14 અબજ ઘનફૂટ મૂકાયો હતો. એનાલિસ્ટ કહે છે કે જો સામાન્ય મોસમના દૈનિક હવામાનને ગણતરીમાં લઈએ તો પણ ભાવ ઘટાડો અપેક્ષિત હતો.  
બે એપ્રિલે પૂરા થયેલા સપ્તાહ માટે એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનનો સત્તાવાર અહેવાલ તે પહેલાં બજારનો પ્રાથમિક અંદાજ 23 અબજ ઘનફૂટના વધારાનો છે. ગત વર્ષે સમાંતર સપ્તાહમાં અનામત ભંડારમાં 30 અબજ ઘનફૂટનો વધારો થયો હતો. પાંચ વર્ષનો સરેરાશ સાપ્તાહિક વધારો 8 અબજ ઘનફૂટનો છે. એનાલીસ્ટોનું અનુમાન છે કે હવામાનની આગાહી બદલાતાં નેચરલ ગેસની સાપ્તાહિક માગ ઘટીને 18 બીસીએફ અંદાજાઈ છે.  
બિસ્પોક વેધર સર્વિસિસની નવી આગાહી કહે છે કે વર્તમાન સપ્તાહમાં પણ અમેરિકાનો ગેસ વપરાશ વિક્રમ કહી શકાય એટલો ઓછો હશે. અલબત્ત, આ સમયગાળામાં હવામાનમાં ઉતારચઢાવ આવી શકે છે, જે નેચરલ ગેસ વાયદાને વધુ સમય દબાણમાં રાખી શકે છે. મેની મધ્ય આવતાં સુધીમાં ભાવના દિશાનિર્દેશ મળવા શરૂ થશે. 
ભારતમાં પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઈન્ડિયા લિમિટેડ માટે 1 એપ્રિલથી શરૂ થતાં આગામી છ મહિના માટે ગેસ ક્ષેત્રમાંથી પેદા થયેલા ગેસનો ભાવ 1.79 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ટકાવી રાખ્યો હતો. આ અગાઉ મંત્રાલયે 1 ઓકટોબરથી શરૂ થયેલા છ માસ માટેના ભાવ અગાઉના છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર 2020) માટેના 2.39 ડોલરથી 25 ટકા ઘટાડીને 1.79 ડોલર કર્યા હતા.         
આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં આ ત્રીજો ભાવઘટાડો કહી શકાય. ભારતમાં નેચરલ ગેસના ઉત્પાદકો માટેના ભાવ પુરાંતવાળા દેશ અમેરિકા, કેનેડા અને રશિયામાં છેલ્લા એક વર્ષના પ્રત્યેક ત્રિમાસિકના ભાવને આધાર બનાવીને નિર્ધારિત કરવામાં આવે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer