વેપારીઓનો પૂણ્યપ્રકોપ જોઈ ઉદ્ધવ સરકાર ઢીલી પડી

બે દિવસનો સમય માગ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 એપ્રિલ
કોરોનાના ફેલાવાને રોકવા માટે 30 એપ્રિલ સુધી દુકાનો અને બજારો બંધ રાખવાના રાજ્ય સરકારના આદેશ સામે વેપારી આલમમાં પ્રવર્તતી સખત નારાજગી જોઈને રાજ્ય સરકાર ઢીલી પડી હોવાના આસાર છે. રાજ્યનાં વેપારી સંગઠનોના અગ્રણીઓ સાથે ગઈ કાલે યોજાયેલી એક વીડિયો કૉન્ફરન્સમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓની સમસ્યાનું શાંતિમય સમાધાન શોધી કાઢવા બે દિવસનો સમય માગ્યો હતો જેથી તેઓ પોતાના પ્રધાનમંડળના સાથીઓ તથા વરિષ્ઠ અમલદારો સાથે વિચારવિમર્શ કરી શકે.
કૉન્ફરન્સ દરમિયાન એક તબક્કે મુખ્ય પ્રધાન ઠાકરેએ વેપારી અગ્રણીઓને પૂછ્યું હતું કે અમે તમારાં સૂચનો સ્વીકારીએ તો અમે કહીએ તે કરવા તમે તૈયાર છો ખરા? વેપારી અગ્રણીઓએ એકી અવાજે તરત જ હામાં જવાબ આપ્યો હતો.
આમ સપ્તાહના અંત સુધીમાં અથવા આવતા સોમવારથી દુકાનો, બજારો અને અૉફિસો ફરીથી ખોલવાની શરતી મંજૂરી અપાય એવી શક્યતા ઊભી થઈ હોવાનું વેપારીઓના પ્રતિનિધિઓએ વ્યાપારને જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન સાથેની કોન્ફરન્સમાં ચેમ્બર અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કેમિટ)ના પ્રેસિડેન્ટ દીપેન અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાની ચેન તોડવા માટે બહાર પડાયેલો અધ્યાદેશ અત્યારે તો રાજ્યની કરોડરજ્જુ સમાન વેપારીઓને તોડી રહ્યો છે.
કેમિટના અધ્યક્ષ મોહન ગુરનાનીએ વેપારીઓની વ્યથાને વાચા આપતાં જણાવ્યું હતું કે હાલના લૉકડાઉન સામે વેપારીવર્ગમાં સખત આક્રોશ પ્રવર્તે છે. વેપારીઓ માટે નફો કમાવાનું દૂર રહ્યું, પોતાના ખર્ચ કાઢવાનું પણ અઘરું બની ગયું છે. રાજ્યના ખૂણેખૂણેથી વેપારીઓ કહે છે જો લૉકડાઉનમાં છૂટછાટ નહીં અપાય તો તેઓ અસહકાર અને સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કરશે.
ગુરનાનીએ મુખ્ય પ્રધાનનું ધ્યાન દોર્યું કે ગયા વર્ષના અનુભવને યાદ કરીને પરપ્રાંતીય મજૂરો-કારીગરો મોટી સંખ્યામાં વતન પાછા ફરવા લાગ્યા છે. આવા સંજોગોમાં ઈ-કૉમર્સને મુક્તપણે કામકાજ કરવાની છૂટ આપવી અને વેપારીઓ પર જાતજાતના અંકુશો મૂકવાનો નિર્ણય અત્યંત અન્યાયી છે.
ગુરનાનીએ સપ્તાહના કામકાજના દિવસોમાં તમામ દુકાનો, મૉલ્સ, બજારો અને ખાનગી અૉફિસો ખુલ્લી રાખવા દેવાની માગણી કરી હતી.
વેપારીઓના અન્ય પ્રતિનિધિઓમાં વીરેન શાહ, બી.સી. ભરતીયા, જિતન્દ્ર શાહ, લલિત ગાંધી, મિતેશ મોદી, રાજુ રાઠી, સંતોષ માંડલેચા, વાલચંદ સંચેતી વગેરેનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer