કોરોના રસીની અછત નથી : અમિત શાહ

પ્રત્યેક રાજ્યને રસીનો પર્યાપ્ત પુરવઠો અપાય છે
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 9 એપ્રિલ
કેટલાંક રાજ્યોમાં કોરોનાની રસીની અછત સર્જાઈ હોવાના અહેવાલોને ગૃહપ્રધાને આજે રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, પ્રત્યેક રાજ્યને પર્યાપ્ત માત્રામાં રસીનો પુરવઠો અપાઈ રહ્યો છે.
રસીની અછત વિશેના અહેવાલો સાચા નથી. તમામ રાજ્યોને પૂરતી સંખ્યામાં રસીના ડોઝ પૂરા પાડવામાં આવે છે, એમ શાહે પત્રકારોને જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશે કેન્દ્ર સરકારને વિધિસર જાણ કરી છે કે, તેમની પાસેનો કોરોના રસીનો જથ્થો ખૂટવા આવ્યો છે. છત્તીસગઢ અને ઓરિસાએ પણ રસીની અછતની ફરિયાદ કરી છે. તેવે સમયે શાહનું નિવેદન આવ્યું છે.
કેન્દ્રના આરોગ્યપ્રધાન હર્ષવર્ધને પણ કહ્યું છે કે, દેશમાં કોરોનાની રસીની કોઈ અછત નથી અને રાજ્યોને તેમની જરૂરિયાત અનુસાર પૂરતો જથ્થો અપાશે.
હર્ષવર્ધને રસીની અછતની ફરિયાદ કરનારાં રાજ્યોની ટીકા કરી હતી અને તેમને પોતાનું ઘર વ્યવસ્થિત કરવાની સલાહ આપી હતી.
રાહુલ ગાંધીએ રસીની નિકાસ સામે સવાલ કર્યો
દરમિયાન કૉંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાની રસીની અછત છે ત્યારે તેની નિકાસ કરવા સામે સવાલ ઉઠાવ્યો છે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં રાહુલ ગાંધીએ પૂછયું છે કે, દેશમાં કોરોનાની રસીની અછત છે ત્યારે છ કરોડ ડોઝ નિકાસ કરવાની શી જરૂર હતી?
રાજ્ય સરકારો વારંવાર રસીની અછત પ્રત્યે ધ્યાન દોરે છે, પરંતુ જવાબમાં તેમને કેન્દ્રીય આરોગ્યપ્રધાનનાં વિપક્ષશાસિત રાજ્યો વિરુદ્ધના બેફામ નિવેદનો સિવાય કંઈ મળતું નથી.  આવાં ઉચ્ચારણો તમે જેને આવશ્યક ગણાવો છો તે સહકારી સમવાયતંત્રને નબળું પાડનારાં છે' એમ રાહુલે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer