પ્રવાસી કામદારોની હિજરત રોકાશે?

આજે દેશભરમાં કેવી વિચિત્ર પરિસ્થિતિ છે કે રસીકરણમાં રાજકારણની ફરિયાદ છે પણ રાજકારણમાં રસીકરણની ફરિયાદ નથી! જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં હજારો લોકોની મેદની થાય છે અને સરઘસ નીકળે છે, પણ કોરોનાની ચર્ચા કે ચિંતા નથી! શક્ય છે કે મે મહિનાની બીજી તારીખે પરિણામ આવે તે પછી કોરોનાનાં દર્શન થાય! ચૂંટણીની પ્રચારસભાઓ હોય કે પછી બિહારમાં લઘુમતી કોમના મોટા ધર્મગુરુની અંતિમયાત્રા હોય કે પછી હરિદ્વારમાં મહાકુંભ હોય, ત્યાં લાખોની મેદની હોય તો નિયંત્રણોનો અમલ થાય છે? અલબત્ત હવે કેન્દ્ર સરકારની સૂચનાથી યાત્રાળુઓની સ્વાસ્થ્ય તપાસ થઈ રહી છે.
વૅક્સિન પુરવઠામાં અન્યાય થતો હોવાની ફરિયાદ સૌથી પહેલાં મહારાષ્ટ્ર સરકારે કરી. રાજ્યમાં સ્થિતિ અતિ ગંભીર છે અને વડા પ્રધાન મોદીએ `સંપૂર્ણ લૉકડાઉન' નહીં થાય એમ કહ્યું તે પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે મિનિ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. વડા પ્રધાને કહ્યંુ કે ગયા વર્ષે આપણે અદ્ભુત લૉકડાઉન, માસ્ક અને સામાજિક અંતરથી મહામારીને મહાત કરી હતી. ત્યારે વૅક્સિન ઉપરાંત આપણી હૉસ્પિટલો વગેરેની તૈયારી પણ નહોતી છતાં આપણે સફળ થયા. અત્યારે આપણે સજ્જ હોવા છતાં લોકોની લાપરવાહી બેદરકારી અને બેફીકરાઈ છે. આની સામે સાવધ અને સક્રિય બનવું પડશે.
મહારાષ્ટ્ર સરકારે મિનિ લૉકડાઉન કરવામાં  પૂરી કાળજી લીધી નથી. છૂટક વ્યાપારીઓની ફરિયાદ વાજબી છે. જોરદાર વિરોધ થયા પછી મુખ્ય પ્રધાને જરૂરી સુધારા કરવાની ખાતરી આપી છે પણ ગયા વર્ષના સંપૂર્ણ લૉકડાઉન વખતે આવશ્યક ચીજવસ્તુ-સામાનનો પુરવઠો જળવાયો હતો અને અછતની ફરિયાદ ન હતી. આ વખતે શા માટે ધ્યાન રખાયું નહીં? વ્યાપારીઓના વેપાર-ધંધા ઉપરાંત એમના કામદારોની બેકારી અને લોકોની પરેશાનીનો કેમ વિચાર થયો નહીં? 
ગયા વર્ષે મહારાષ્ટ્રથી ઓછામાં ઓછા બાર લાખ કામદારો-કારીગરો હિજરત કરી ગયા હતા. તેઓ બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિસા ચાલ્યા ગયા ત્યારે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ધરતીપુત્રોને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપીને કામદારો તથા કારીગરોની ખોટ પૂરાશે. આવી જ રીતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં નાના-મધ્યમ ઉદ્યોગો શરૂ કરવાની અને રાજ્યના જે લોકો અન્ય રાજ્યોમાં ગયા હોય એમની નોંધણી અને વીમાની વ્યવસ્થા કરાશે એવી ઘોષણા કરી હતી. આ દિશામાં કેટલી પ્રગતિ થઈ છે? કોણ જણાવે?!
અત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતથી કામદારોની ઘર વાપસીના અહેવાલ છે. પશ્ચિમ અને મધ્ય રેલવેએ ત્રણ વધારાની ટ્રેનો અને અન્ય ટ્રેનોની સંખ્યા વધારી છે જેથી ગયા વર્ષની જેમ અચાનક ધસારો થાય નહીં. જે રાજ્યોમાં લોકો પાછા જઈ રહ્યા છે ત્યાં સ્ટેશનો ઉપર `તપાસણી' કરવાની શરૂઆત થઈ છે - છતાં ગયા વર્ષ જેવી વ્યવસ્થા નથી. પરિણામે આજ સુધી સલામત જણાતા વિસ્તારોમાં મહામારીનો વ્યાપ વધવાની આશંકા છે.
આ દરમિયાન અર્થતંત્ર બચાવવું હોય તો અતિથિ કામદારોની હિજરત રોકો. એમને રોજીરોટીની તાત્કાલિક વ્યવસ્થા કરો.
મહારાષ્ટ્ર સરકારે બાંધકામ ક્ષેત્રમાં કામદારોને રહેવા, ખાવા પીવાની સગવડ આપવાનો અનુરોધ કર્યો હતો, પણ તેનો અમલ કોણે કર્યો છે? ભીવંડી, થાણે-પુણે વગેરે શહેરોથી પણ હિજરત શરૂ થઈ છે. ગયા વર્ષે સ્થાનિક વ્યાપારીઓએ ફંડફાળા  કરીને કામદારોને સાચવ્યા હતા. સામાજિક, બિનસરકારી સંસ્થાઓ પણ સેવા આપતી હતી પણ એક વર્ષની મંદી અને બેકારી પછી આ વર્ષે કોઈનું ગજું નથી. તેથી જ વ્યાપારી વર્ગ વિરોધ કરવા માટે રસ્તા ઉપર આવ્યો છે.
મહારાષ્ટ્રમાં પોલીસ અને પ્રધાનોની ભ્રષ્ટાચારમાં ભાગીદારી ખુલ્લી પડી છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે, આ મામલો ઘણો ગંભીર છે. તપાસના અહેવાલ આવતાં કેટલો સમય લાગે છે તે જોવાનું છે પણ િત્રપુટી સરકારની બદનામી પૂરી થઈ છે તેથી રાજકીય અનિશ્ચિતતા વધી છે અને રાજકારણ ઉપરથી જનતાનું ધ્યાન રસીકરણ અને અન્યાય ભણી જાય એ માટે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે ત્યારે શરદ પવાર અમદાવાદમાં અમિત શાહને મળવા ગયા તે ઘટનાના રહસ્યની ચર્ચા થાય છે. શરદ પવાર બંગાળમાં મમતાદીદીની વહારે જનાર હતા એવામાં સ્વાસ્થ્યનો પ્રોબલેમ થયો. હવે વૅક્સિન પુરવઠામાં ભેદભાવ રખાતા હોવાની ફરિયાદને વડા પ્રધાને રદિયો આપ્યો છે અને શરદ પવારે પણ કેન્દ્ર સરકારના સહકાર બદ્દલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેથી રાજકારણ બંધ થશે એવી આશા રાખીએ. વૅક્સિન માટે વયમર્યાદામાં છૂટ આપવાનો નિર્ણય પણ વૅક્સિનનું ઉત્પાદન વધે તે પછી લેવાશે.
દૈનિક લગભગ એકત્રીસ લાખ લોકોને રસી આપીને આપણે અમેરિકાથી પણ આગળ છીએ એ વાતની ના નહીં. વૅક્સિન ઉત્પાદનમાં ભારત વિશ્વની `ફેક્ટરી' ગણાય છે. તે છતાં અછત કેમ છે? આરંભના તબક્કે આપણે `વૅક્સિન ડિપ્લોમસી' તરીકે એક કરોડથી વધુ શીશી-ડોઝ અન્ય દેશોને સહાય સ્વરૂપે આપી.
બે કરોડ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના અભિયાનમાં આપી અને 3.5 કરોડ વ્યાપારી ધોરણે નિકાસ કરવાની છૂટ આપવામાં આવી. ચીન અને રશિયા આપણી તોલે નથી અને અમેરિકાએ તો ``માત્ર અમેરિકનો માટે એવો અધ્યાદેશ જારી કર્યોં. હવે આપણે સ્વદેશ માટે નીતિ અખત્યાર કરવી રહી.
વય મર્યાદાનો પ્રશ્ન છે તેનો એક ઉકેલ છે. જે રાજ્યોમાં ગંભીર સ્થિતિ છે ત્યાં વયમર્યાદા રદ કરીને સૌને છૂટ આપવી જોઈએઁ. પણ આ પહેલાં ઉત્પાદન અને પુરવઠાની વ્યવસ્થા હોવી જોઈએ. તે માટે જ્હૉનસન ઍન્ડ જ્હૉન્સનની પેટા કંપની દ્વારા ઉત્પાદિત વૅક્સિનને અમેરિકામાં મંજૂરી મળી હોય તો આપણે ત્યાં વિલંબ શા માટે? રશિયાની સ્પુટનિકના ઉત્પાદનનો કોન્ટ્રેક્ટ ભારતીય કંપનીઓને મળ્યો હોવા છતાં તે ભારતમાં તેની વહેંચણી થવા અંગે પ્રશ્ન છે. પૂનાની સીરમ ઇન્સ્ટિટયૂટે ઉત્પાદન વધારવા માટે સરકાર પાસે ત્રણ હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ માગી છે. સરકારમાં આવી ગ્રાન્ટનો પ્રબંધ નથી. આ સંજોગોમાં વ્યવહારુ માર્ગ અપનાવવો જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer