કચ્છમાં શ્રમિકોની અછતથી ચાઇના ક્લેના કારખાનેદારોને ચિંતા

કચ્છમાં શ્રમિકોની અછતથી ચાઇના ક્લેના કારખાનેદારોને ચિંતા
અમારા પ્રતિનિધિ તરફથી 
કોટડા (ચ) (તા. ભુજ), તા. 9 એપ્રિલ 
કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, જેથી પરપ્રાંતિય મજૂરોમાં લોકડાઉનનો ડર છે. તે વચ્ચે હાલ હોળી-ધૂળેટી અર્થે માદરે વતન ગયેલા પરપ્રાંતીય મજૂરો પરત ન આવતા કચ્છના ખાસ કરીને 24 કલાક ધમધમતા ચાઇનાક્લેના કારખાનાં સૂમસામ ભાસી રહ્યાં છે. 
કારખાનાઓમાં કામકાજ ઠપ થઇ જતા માલિકોને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના જોવાઇ રહી છે. તાલુકાના શેખપીરથી પદ્ધર, લાખોંદ, કાળી તળાવડી, મમુઆરા, નાડાપા, ડગાળા, મોખાણા સહિત ગામડાંના સીમાડાઓમાં 150થી પણ વધુ પ્રોસાસિંગ પ્લાન્ટોના મજૂરો ઘરે જતા રહેવાથી અત્યારે આવા અનેક કારખાનાઓ બંધ પડી ગયાં છે. 
ચાઇના ક્લેના ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશ, જાબુઆ, ગુજરાતના ડાંગ, ગોધરા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રહેતા આવા મજૂરો તહેવારોના કારણે વતન ગયા છે, પરંતુ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે હજુ સુધી પરત ન ફરતા ચિંતા સેવાઇ રહી છે. ચાઇનાક્લે (માટી)નું ઉનાળામાં ઉત્પાદન સારું થતું હોય છે. ઉનાળાની શરૂઆત તો થઇ પણ મજૂરોની અછત છે. સ્થાનિક મજૂરોને મજૂરી વધારે આપવા છતાં મજૂરો ન મળતાં આ ઉદ્યોગને' મોટી આર્થિક અસર પડી શકે છે. સ્થાનિક શ્રમજીવીઓની અછત વર્તાતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે.' હવે મે મહિના સુધી પરપ્રાંતિય મજૂરો ન આવે તો ઉત્પાદન પર મોટી અને વ્યાપક અસર પડી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer