અલંગના પ્લોટની પુન: માપણી કરવાના સંકેતોથી શિપ બ્રેકર્સમાં રોષ

અલંગના પ્લોટની પુન: માપણી કરવાના સંકેતોથી શિપ બ્રેકર્સમાં રોષ
મેરીટાઇમ બોર્ડનો પૈસા વસૂલવાનો કીમિયો?
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 9 એપ્રિલ 
એશિયાના સૌથી મોટાં જહાજવાડામાં આવનારાં ત્રણ વર્ષમાં જહાજો ભાંગવાની ક્ષમતા બમણી થઇ જાય એ માટેની યોજના કેન્દ્ર સરકાર બનાવી રહી છે. બીજી તરફ ગુજરાત મેરિટાઇમ બોર્ડની નીતિ ઉદ્યોગને ખોટના ખાડાંમાં ઉતારી દે તેવી હોવાથી પ્લોટ માલિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મેરિટાઇમ બોર્ડ દ્વારા હવે પ્લોટની ઉંડાઇ રિમેઝરમેન્ટ કરીને હવે મોટી રકમોના બિલ આપવાનુ શરૂ કરવામાં છે એ કારણે હવે મોટો આર્થિક ફટકો પડે તેમ છે. 
અલંગ શિપ બ્રાકિંગ યાર્ડના એક પ્લોટ માલિક કહે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓનરશીપથી જહાજવાડાના પ્લોટ આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં વર્ષોથી લીઝ પર પ્લોટ આપવામાં આવે છે. અલંગમાં કુલ 162 પ્લોટ છે પરંતુ એમાંથી 100 કે 110 જેટલા પ્લોટમાં નિયમિતપણે જહાજ ભાંગવા માટે આવે છે. 
અલંગમાં 30થી 120 મીટર સુધીની પહોળાઇના પ્લોટ આવેલા છે. જોકે ઉંડાઇ 45થી 90 મીટરની છે.  પહોળાઇ વધારે હોય તો જ ક્ષમતામાં વધારો થાય. ઉંડાઇ ગમે તેટલી હોય એનાથી જહાજો વધુ સમાવી શકાય એવું બનતું એમ તેમનું કહેવું છે. જોકે અત્યારે મેરિટાઇમ બોર્ડ ઉંડાઇનું પ્રમાણ રિમેઝરમેન્ટ કરીને નવેસરથી પ્લોટ માલિકો પાસેથી નાણા ઉઘરાવવાનું શરું કરવાની હોવાથી વિરોધ વધ્યો છે. 
શીપ રિસાયક્લિગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપપ્રમુખ રમેશ મેંદપરા કહે છે, વર્ષોથી આ પ્લોટ વપરાઇ રહ્યા છે અને શીપ બ્રેકરોએ લાખો રુપિયા ખર્ચીને પ્લોટની ઉંડાઇ વધારી દીધી છે. હવે એ વપરાશમાં છે પણ મેરિટાઇમ બોર્ડ હવે તે રિમેઝર કરવાની વાતો કરે છે એ વાજબી નથી. પહોળાઇ વધી શકે તેમ નથી. ઉંડાઇ તો ફક્ત જહાજોને સમાવવા માટે બ્રેકરોએ લાખો રુપિયાનું આંધણ કર્યું હોય છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર એક તરફ અલંગની ક્ષમતા 2024 સુધીમાં બમણી કરવા ઇચ્છે છે ત્યારે મેરિટાઇમ બોર્ડ વિપરિત ચાલી રહ્યું છે. 
પ્રવર્તમાન સમયે ક્રેપ ઉદ્યોગમાં માગ સારી છે અને ભાવ પણ સારો મળી રહ્યો છે. જોકે જહાજોની સંખ્યા થોડી ઓછી છે. જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં અલંગમાં કુલ 32થી 33 જેટલા જહાજો ભાંગવા માટે આવ્યા છે. હજુ બાંગ્લાદેશ અને પાકિસ્તાન ભારત કરતા વધારે ભાવ ચૂકવીને જહાજો લઇ જઇ રહ્યા છે એટલે ભારત તરફ જહાજો વળતા નથી. ભારમતાં એક ટનનો ભાવ 500 ડોલર જેટલો ચાલે છે. ઉક્ત બન્ને દેશો 10થી 15 ડોલર વધારે ચૂકવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer