અમદાવાદની ખાનગી હૉસ્ટિપલોમાં ઓક્સિજનની અછત

અમદાવાદની ખાનગી હૉસ્ટિપલોમાં ઓક્સિજનની અછત
ત્રણ-ચાર ગણા ભાવ ચૂકવવા છતાં ઓક્સિજન મળતો નથી
અમારા પ્રતિનિધિ તરફથી                 અમદાવાદ, તા. 9 એપ્રિલ 
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો નથી. 120 અને 130 રૂપિયે મળતા ઓક્સિજનના 500 રૂપિયા આપવા છતાં જથ્થો મળતો નથી. ખાનગી હોસ્પિટલના સંચાલકોએ સરકાર ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે તેવી માંગણી કરી છે. 
એક સમયે 150થી 200 સિલિન્ડરની માગ રહેતી હતી તે આજે વધીને બે હજાર સિલિન્ડરની થઇ ગઇ છે. ડિસ્ટ્રિબ્યુટર્સનું રોજનું વેચાણ દશ ગણું થઇ ગયુ છે. ઓક્સિજનની અછતનો કોઇ વિકલ્પ નથી. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ વધી રહ્યો છે, જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હોવાથી ઓક્સિજન આપવામાં આવે છે. વધતા જતા કોરોનાના કેસને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે.   દરમિયાનમાં સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 70 ટકા જથ્થો આરોગ્ય ક્ષેત્ર અને ફક્ત 30 ટકા ઉદ્યોગો માટે રાખવાની ફરજ પાડી હોવા છતાં રોજે રોજ વધી રહેલા કોરોનાના કેસને કારણે ઓક્સિજની ઉપલબ્ધિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ કોરોનાના કેસો વધતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ અત્યંત વધી ગયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer