એફસીઆઈને જમીનની કે બૅન્ક ખાતાની વિગતો આપવા સામે પંજાબમાં વિરોધ

એફસીઆઈને જમીનની કે બૅન્ક ખાતાની વિગતો આપવા સામે પંજાબમાં વિરોધ
ટેકાના ભાવે ઘઉંની ખરીદી  
ડી. કે.
મુંબઇ, તા. 9 એપ્રિલ
ખેડૂત આંદોલનથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે રવી મોસમના પાકોની ખરીદી શરૂ કરી છે. જો કે સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ઘઉંની ખરીદીના પ્રારંભે જ વિરોધીઓની કાગારોળનો સામનો કરી રહી છે.  
આ વખતે સરકારે ઘઉંનાં નાણાં સીધાં ખેડૂતોનાં ખાતામાં જમા કરાવવાનું નક્કી કર્યુ છે. પરંતુ ઘઉંની ખરીદી સમયે ખેડૂતની જમીનનો રેકોર્ડ અને બેંકખાતાની વિગતો માગવામાં આવે ત્યારે પંજાબના ખેડૂતો વિરોધ કરે છે. ખેડૂતોનો દાવો છે કે તેમનામાંથી ઘણા ખેડૂતો પોતાના પરિવારજનો કે મિત્રોની જમીન ઉપર કોન્ટ્રેક્ટ ફાર્મિગ કરતા હોય છે કારણ કે જમીનના મૂળ માલિકો વિદેશમાં સ્થાયી થયા છે. તેમના બેંકખાતાની વિગતો ભારતમાં પૂરી પાડવી મુશ્કેલ હોવાનું આ ખેડૂતો જણાવે છૈ. ઘણા ખેડૂતો લશ્કરમાં કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં નોકરી કરતા હોવાથી પોતાના વતનના ગામ કે શહેરમાં હાજર હોતા નથી. આ ઉપરાંત ખેડૂતોનાં નાણાં તેમના ખાતામાં સીધાં જમા થવાના હોવાથી આડતિયાઓ અને દલાલોને મળનારા 2.50 ટકા કમિશન પણ બંધ થઇ જવાની ચિંતા ઉભી થઇ છે. પંજાબના ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા હોવાથી તેમની ખોટી રીતે કનડગત થઇ રહી હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા. 
એફસીઆઈ દિલ્હી રાજ્યમાં 3.50 લાખ ટન ઘઉંની ખરીદી કરી હોવાનો દાવો કરી રહી છે, પરંતુ દિલ્હી અને પંજાબમાં ઘઉંની ખરીદીમાં ખાલી ઠાલાં વચનો જ હોવાનો સુર ઉઠ્યો છે. 
એફસીઆઈ દ્વારા ઘઉંની 2021-22ની માર્કાટિંગ સિઝન માટે હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા ગુજરાત જેવાં રાજ્યોમાંથી પાંચમી એપ્રિલ સુધીમાં 3.50 લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઇ હોવાની અને આ ખરીદી સામે 4.45 લાખ ખેડૂતોને કુલ  રૂ. 691 કરોડ રૂપિયા ચૂકવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 60 ટન ઘઉંની ખરીદી થઇ હતી. 
જો કે એફસીઆઇની ખરીદી સંબંધે દિલ્હીની રાજ્ય સરકારે આક્ષેપો કર્યા હતા કે તેણે દિલ્હીમાં ક્યાંય ઘઉંનાં ખરીદકેન્દ્રો શરૂ કર્યાં નથી. દિલ્હી ઘઉંના કારોબારનું મથક ગણાતું હોવાથી  ત્યાં તો ઘઉંની મોટાપાયે ખરીદી થવી જોઇએ એવી દિલ્હીની આમ આદમી પાર્ટીની માગ હતી. સામે પક્ષે એફસીઆઈના અધિકારીઓએ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું કે દિલ્હીમાં ત્રણ જગ્યાએ ઘઉંની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 15.8 ટન ઘઉં ખરીદ કરાયા છે. સામાન્ય રીતે ઘઉંની ખરીદી દિલ્હીમાં સૌ પ્રથમ શરૂ થતી હોય છે. આ પરંપરા પ્રમાણે માયાપુરી, નરેલા તથા નજફગઢ મંડીમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વેચાણ શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અહીંથી 27.60 ટન ઘઉંની ખરીદી કરાઇ હતી.વર્તમાન માર્કાટિંગ સિઝન 2021-22 માટે અગાઉ દિલ્હી સરકારે 1000 ટન ઘઉંની ખરીદીનું લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારના નિર્દેશોના પગલે લક્ષ્યાંક 50,000 ટન કરવામાં આવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer