પ્લાસ્ટિક થેલીઓનું ચલણ વધતાં નાયલોન થેલીમાં મંદી

પ્લાસ્ટિક થેલીઓનું ચલણ વધતાં નાયલોન થેલીમાં મંદી
કેવલ ત્રિવેદી 
મુંબઈ, 9 એપ્રિલ  
પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ પછી લોકો નાયલોન, કાપડ અને શણની થેલીઓ વાપરવા લાગ્યા હતા, પરંતુ કોરોના મહામારીને લીધે આ ક્ષેત્રમાં પણ મંદી આવી હતી. એવામાં દેશમાં કોરોનાની બીજી લહેરના ભયે સેન્ટિમેન્ટ બગડ્યુ છે અને બજારોમાં પણ પ્લાસ્ટિકની થેલીઓ ફરી દેખાવા માંડી છે. 
એક ઉત્પાદકે કહ્યું કે, ગયા વર્ષે લોકડાઉનના શરૂઆતના તબક્કામાં ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ વિધ્નો આવ્યાં નહોતાં. અમારી પાસે કાચા માલનો પૂરતો સ્ટોક હોવાથી તે વખતના ઓર્ડર પૂરા  કરી શકાયા હતા. હવે કાચા માલના ભાવમાં પણ વધારો થવાથી નફાના માર્જિન સંકોચાઈ ગયો છે. બીજી બાજુ માગ પણ ઘટી છે. બજારોમાં પ્લાસ્ટિકની થેલીમાં જ શાક અને ફળ વેચાઈ રહ્યાં છે. અગાઉ લોકો ફરજિયાત કપડા કે નાયલોનની થેલી વાપરતા હતા તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 
ભાયખલાસ્થિત નાયલોન અને ક્લોથ કેરી બેગના ઉત્પાદક યાકુબ શેખે કહ્યું કે હાલ માત્ર પચાસ ટકા કમદારોથી કામ ચલાવવું પડે છે. લોકડાઉન વખતનું ચિત્ર ફરી ઉભુ થતું દેખાઈ રહ્યું છે. મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી મજૂરો ફરી આવતા ડરે છે. ઉપરાંત ધંધો પણ ખૂબ જ ઘટી ગયો છે.  
નાયલોન થેલીના ઉત્પાદક ઉર્વિશ ઉપાધ્યાયે 'વ્યાપાર'ને કહ્યું કે, ગયા વર્ષે લોકડાઉન બાદ ઘણા કારીગરો પોતાને વતન જતા રહ્યા હતા. તેમાંથી કેટલાક ફરી મુંબઈ આવ્યા પરંતુ કોરોનાનો કહેર ફરી વધતાં માનવબળની હજી અછત છે.  
અન્ય એક ઉત્પાદકે કહ્યું કે બજારમાં હજી મંદી છે. અગાઉ છ મશીન સતત ચાલુ રહેતાં હતાં તેને બદલે હવે ફક્ત ત્રણ મશીનથી કામ ચાલે છે. અમુક  મટિરિયલમાંથી વિશિષ્ટ બેગ બને છે જે બાળકોમાં લોકપ્રિય હોય છે, પરંતુ આ વખતે સ્કૂલો પણ વ્યવસ્થિત ખૂલી ન હોવાથી બેગનું વેચાણ ઓછું થયું છે. શણ, નાયલોન અને કાપડમાંથી અમૂક પાઉચ બનાવવામાં આવતા હોય છે જે સામાન્ય રીતે મોટી કંપનીઓ કે સંસ્થાઓ તેમના કર્મચારીઓને કે સમારોહમાં આમંત્રિતોને આપતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાને લીધે સમારંભો પર પાબંધી હોવાથી અને ઘરેથી કામ કરવાનું ચલણ વધવાથી આવી પ્રમોશનલ ચીજોનું વેચાણ ઘટ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer