દિવસે કામધંધા, રાત્રે કર્ફ્યુ રાખવાથી અર્થતંત્ર ધબકતું રહેશે

દિવસે કામધંધા, રાત્રે કર્ફ્યુ રાખવાથી અર્થતંત્ર ધબકતું રહેશે
રાજકોટની સોની બજારમાં શનિ અને રવિવારે સ્વૈચ્છિક બંધની જાહેરાત
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 9 એપ્રિલ 
ગુજરાતભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કદાચ હજુ પણ સંખ્યા વધી શકે છે એ કારણે લોકો બને ત્યાં સુધી ઘરમાં રહે અને સ્વયંભૂ લોકડાઉન પાળે તેવી અપીલ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજકોટમાં કરી હતી. તેમણે જણાવ્યું કે, કામ-ધંધો કરનારા લોકો શક્ય હોય તો ઘેરથી જ કામકાજ કરીને સ્વયંભૂ લોકડાઉનમાં જાય તો મહામારીમાંથી ઝડપથી બહાર આવી શકાશે. 
રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના કેસ સંદર્ભે કલેક્ટર અને કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠક બાદ તેમણે રાત્રે કોરોના આવતો નથી એવી ચર્ચાના જવાબમાં કહ્યું હતુ કે, લોકો બિન જરુરી બહાર ન નીકળે એ માટે રાત્રિ કરફ્યુ લગાવાયો છે, દિવસે લોકો કામકાજ કરે અને રાત્રે ઘરે જતા રહે. એમ થાય તો અર્થતંત્ર પણ ધબકતંહ રહે તેવો હેતુ છે. કોરોના સંક્રમણને ખાળવા માટે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટનું સૂત્ર અપનાવવામાં આવશે. 
રાજકોટ શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટ વધે તે માટે વધારાનું એક મશીન ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આવા 11 મશીનની ખરીદી કરી લીધી છે. બેડની અછત નહીં રહે કારણકે અઠવાડિયામાં જ 4293 બેડ છે તેમાંથી 6031 બેડ સુધીની ક્ષમતા ઉભી કરી લેવામાં આવશે. 
વિજયભાઇએ કહ્યું હતુ કે, રાજકોટ ચેમ્બરે સ્વૈચ્છિક બંધનું એલાન શનિ-રવીમાં આપવાની જાહેરાત કરી હતી. તે ઇચ્છે તો બંધ રાખી શકે છે અને સારી બાબત છે. વેપારીઓ પોતે જ સમજીને કોરોનાને મ્હાત કરવાનું નક્કી કરે તો સમાજના હિતમાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer