ખાતરનો ભાવ વધારો પાછો ખેંચાયો

ખાતરનો ભાવ વધારો પાછો ખેંચાયો
ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે : કંપનીઓ સાથે વાતચીત બાદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી જાહેરાત
અમારા પ્રતિનિધિ તરફથી 
ગાંધીનગર, તા. 9 એપ્રિલ 
ફર્ટિલાઈઝર્સના ભાવ વધારા બાબતે સરકારની દરમ્યાનગીરીથી યુ-ટર્ન લેવાયો છે. તાજેતરમાં સહકારી ક્ષેત્રની ઈન્ડિયન ફર્ટિલાઈઝર કોઓપરેટિવ (ઇફકો)  દ્વારા ખાતરના ભાવમાં તાતિંગ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ બાદ તાજેતરમાં ઈફકો દ્વારા પણ ડીએપી, એનપીકે સહિતના ખાતરોમાં અંદાજીત એક બેગ દીઠ રૂપિયા 900નો તાતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારાનો ખેડૂત સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા આ ભાવ વધારો કંપનીઓ તરફથી કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ખાતરનો ભાવ વધારો સરકારના ઈશારે કરાયો હોવાની ચોમેરથી બૂમો ઉઠી હતી. આ સંદર્ભે હવે સરકારે દરમ્યાનગીરી કરીને ખાતર ભાવ વધારા મામલે યુ-ટર્ન  લેવડાવ્યો છે. આ ભાવ વધારો હાલ પરત ખેંચ્યો હોવાની જાહેરાત કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. 
અગાઉ, દેશના સૌથી મોટા ખાતર વિક્રેતા ઈફ્કો દ્વારા ખાતરોના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. ડીએપીની પ0 કિલોની થેલીની કિંમતમાં પ8 ટકા જેટલો તાતિંગ વધારો કરવામાં આવ્યો હતો, જે બેગ 1200 રૂપિયામાં મળતી હતી એ બેગ 1900 રૂપિયાની ખરીદવાની નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે યુરિયા બાદ દેશમાં ખેડૂતો દ્વારા સૌથી વધુ વપરાશ ડીએપીનો કરવામાં આવે છે. 
ઈફ્કો દ્વારા ખાતરનાં વિભિન્ન મિશ્રણ એનપીકેએસની મહત્તમ વેચાણ કિંમત પણ વધારી નાખી છે. એનપીકે 10:26:26નો ભાવ 1175 રૂપિયાથી વધારીને 1775 રૂપિયા કરવામાં આવ્યો હતો. તો 12:32:16 માટે હવે 1185ને બદલે 1800 રૂપિયા ખર્ચવા પડત. આવી જ રીતે એનપી 20:20:13 મિશ્રણવાળા ખાતરનો ભાવ 925 રૂપિયાથી વધારીને 1350 કરી નાખવામાં આવ્યો હતો.  કિસાન સંઘે કહ્યું છે કે, ખેડૂતો માટે વધારો મરણતોલ સાબિત થશે. 2022માં સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માગે છે પણ આ નિર્ણય તેની વિરુધ્ધ છે. સરકાર ટેકાના ભાવે પણ ફક્ત 8થી 10ટકા ખેડૂતોનો માલ ખરીદ કરે છે ત્યારે આવો ભાવવધારો વાજબી નથી. વળી, ઇનપુટમાં થતો ભાવવધારો મળતા ભાવ સામે ઘણો વધારે છે ત્યારે સરકારે ભાવવધારો પાછો ખેંચવો જોઇએ.  
ઈફ્કોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર બિનયુરિયા ખાતરના ભાવ અગાઉથી જ નિયંત્રણ મુક્ત છે. સહકારી નિર્ણયને કોઈ રાજકીય દળ કે સરકાર સાથે નિસ્બત હોતી નથી. આ ભાવવધારો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારને આધીન છે. કૃષિ નિષ્ણાતોના કહેવા અનુસાર ખાતરના ભાવમાં વધારાથી માત્ર ખેડૂતોને જ નહીં પણ આમજનતાને પણ માર પડે છે. ખેતીની પડતર વધતાં અનાજ અને શાકભાજીના ભાવ પણ વધવાના છે. ખાતરના ભાવ વધતા મોદી સરકાર ઉપર અનાજના ટેકાના ભાવમાં વધારો કરવાનું દબાણ પણ વધવાનું છે. 
કેન્દ્ર સરકારના પ્રધાન જ્યારે ભાવ વધારો રદ કરવાની જાહેરાત કરતા હોય ત્યારે ખેડૂતોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાવ વધારા અંગે કંપનીઓએ સરકારને અંધારામાં રાખી હશે? જોકે, સરકાર અને કંપની વચ્ચે જે વાતચીત થઈ હોય તે, પરંતુ આ નિર્ણયથી ખેડૂતોને ચોક્કસ રાહત મળી છે. 
બે દિવસમાં સામે આવેલા વિરોધને જોતા કેન્દ્ર સરકારે પણ આ મામલે મંથન કરવાની જરૂર ઊભી થઈ હતી. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ખાતર કંપનીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણા અને હાલની પરિસ્થિતિને જોતાં ડીએપી, એનપીકે સહિતના ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer