2020-21માં સીધા વેરાની આવક લક્ષ્યાંકને વટાવી ગઈ

2020-21માં સીધા વેરાની આવક લક્ષ્યાંકને વટાવી ગઈ
વેરાની આવક પાંચ ટકા વધીને રૂ 9.45 લાખ કરોડ થઈ
પીટીઆઇ                             નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 
31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન સીધા વેરાની ચોખ્ખી વસૂલી રૂા.9.45 લાખ કરોડ થઇ છે જે કેન્દ્રીય બજેટમાં રજૂ કરાયેલા સુધારિત લક્ષ્ય કરતાં પાંચ ટકા વધારે છે. 
સેન્ટ્રલ બોર્ડ અૉફ ડિરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)ના ચૅરમૅન પીસી મોદીના જણાવ્યા મુજબ નાણાં વર્ષ 2020-21 દરમિયાન પૂરતા પ્રમાણમાં રિફન્ડ આપવામાં આવ્યા બાદ સુધારિત અંદાજ કરતાં વધુ કલેક્શન થયું છે. 
ગત નાણાં વર્ષ દરમિયાન કોર્પોરેટ વેરાનું નેટ કલેક્શન રૂા.4.57 લાખ કરોડ થયું હતું. જ્યારે વ્યક્તિગત આવક વેરાની ચોખ્ખી આવક રૂા.4.71 લાખ કરોડ થઇ હતી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી)ની વસૂલી તરીકે વધુ રૂા.16,927 કરોડ એકત્ર થયા હતા. વર્ષ 2020-21નો સીધા વેરાનો સુધારીત અંદાજ રૂા.9.05 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો.  
કોવિડ મહામારી દરમિયાન આવેલા અનેક પડકારો વચ્ચે સીધા વેરાની ચોખ્ખી વસૂલીમાં વધારો થયો હોવાનું નાણાં મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. સુધારિત લક્ષ્ય કરતાં સીધા વેરાની આવક પાંચ ટકા વધી હતી પણ નાણાં વર્ષ 2019 - 20માં થયેલા કલેક્શન કરતાં 10 ટકા ઓછી થઇ હોવાનું આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
અનુપાલનનો બોજ હળવો કરવા માટે સંખ્યાબંધ પગલાં ભરવામાં આવ્યા છે અને કરદાતાઓને બહેતર સુવિધા આપવામાં આવી રહી હોવાનું મોદીએ જણાવ્યું હતું. 
ચાલુ નાણાં વર્ષમાં પણ આવો જ જુસ્સો જળવાઇ રહેશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આવક વેરા વિભાગની કામગીરી વધુ ન્યાયી અને પારદર્શક બનાવવાનો અમારો અભિગમ છે, એમ તેમણે ઉમેર્યું હતું. 
વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારની તિજોરીમાં આશરે રૂા. 54,000 કરોડ અત્યાર સુધીમાં જમા થયા છે અને આ સ્કીમ હેઠળ પેમેન્ટની અંતિમ તારીખ 30 એપ્રિલ છે. આ યોજના હેઠળ 33 ટકાથી વધુ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને હવે કોઇ નવી યોજના લાવવાની જરૂર નથી, એમ તેમણે એક પ્રશ્નના જવાબમાં  જણાવ્યું હતું. 
વિવાદિત વેરા, વ્યાજ, પેનલ્ટી અથવા ફી બાબતે વિવાદની પતાવટ કરવા માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ રજૂ કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer